અમદાવાદઃ શહેરના સૈજપુર બોઘા વિસ્તારમાં આવેલ એક જ્વેલર્સની શોપમાં સાત વર્ષના પુત્રને લઇને આવેલ દંપતીએ સિફતતાપૂર્વક બે સોનાની વીંટી ચોરી લેતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. તો, જવેલર્સ માલિક પણ દંપતિની ચોરીને લઇ દોડતા થઇ ગયા હતા. આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસમાં જવેલર્સ શોપના માલિક દ્વારા આરોપી દંપતિ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેના આધારે પોલીસે સીસીટીવી ફુજેટના આધારે આરોપી દંપતિની શોધખોળ શરૂ કરી છે.
આ બનાવમાં નોંધનીય વાત તો એ હતી કે, સોનાની વીંટી લેવા માટે દંપતી જવેલર્સની શોપમાં આવ્યું હતું, જ્યાં તેમણે નજર ચુકવીને બોક્સમાંથી બે સોનાની વીંટી ચોરી લીધી હતી અને તેની જગ્યાએ બે નકલી વીંટી મૂકી દીધી હતી. દંપતીએ નજર ચૂકવીને કરેલી ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ જતાં પોલીસ તપાસ શરૂ કરી છે. નિકોલ વિસ્તારમાં આવેલ શિલ્પ રેસિડન્સીમાં રહેતા અને સૈજપુર બોઘા વિસ્તારમાં આવેલ જગદંબા જવેલર્સની શોપ ધરાવતા મનોજભાઇ સોનીએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં એક દંપતી અને તેના સાત વર્ષના પુત્ર વિરુદ્ધમાં નોંધાવેલી ચોરીની ફરિયાદ મુજબ, થોડાક દિવસ પહેલા એક દંપતી તેના સાત વર્ષના પુત્રને લઇને સોનાની વીંટી ખરીદવા માટે જગદંબા જ્વેલર્સ શોપમાં આવ્યા હતા. જ્વેલર્સ શોપની મહિલા કર્મચારી દંપતીને સોનાની વીંટી બતાવતી હતી ત્યારે તેમને એક વીંટી પસંદ કરી હતી. મહિલા વીટીનું વજન કરવા માટે ગઇ તે સમયે દંપતીએ તમામની નજર ચૂકવીને બોક્સમાં પડેલી બે સોનાની વીંટી ચોરી લીધી હતી. શોપના કર્મચારીઓને શંકા જાય નહીં તે માટે તેમને બગસરાની બે વીંટી બોક્સમાં મૂકી દીધી હતી. દંપતી વીંટી ખરીદ્યા વગર જતું રહ્યું હતું. મોડી રાતે જ્યારે દાગીનાની ગણતરી થતી હતી તે સમયે વીંટીના બોક્સમાં બે બગસરાની વીંટી પડી હોવાનું સામે આવ્યું હતું. મનોજભાઇએ શોપમાં લગાવેલ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં વીંટી લેવા માટે આવેલ દંપતીએ નજર ચૂકવીને સોનાની વીંટી ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું.
મનોજભાઇએ આ મામલે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી હતી. જેમાં પોલીસે તપાસ કરતા દંપતી અને તેમના પુત્ર વિરુદ્ધમાં ૬૦ હજાર રૂપિયાની વીંટી ચોરીની ફરિયાદ નોંધી તેઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ માટે પોલીસે જવેલર્સ શોપના સીસીટીવી ફુટેજની પણ મદદ લીધી છે.