અમદાવાદઃ શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલા એક જવેલર્સની દુકાનમાં વહેલી સવારે તસ્કરો ત્રાટકયા હતા. તસ્કરો શટરનું લોક અને કાચનો દરવાજો તોડી લાખો રૂપિયાની મતાના સોના અને ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઇ જતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આ બનાવ અંગે ચાંદખેડા પોલીસે જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ ચાંદખેડાના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આવેલા વિષ્ણુનગરમાં રાજેશભાઈ પાતળિયા પોતાના પરિવાર સાથે રહે છે. ઘરની બહારના ભાગે જ રતન જવેલર્સ નામે દુકાન ધરાવી સોના-ચાંદીનો વેપાર કરે છે. સોમવારે મોડી રાતે રાજેશભાઈ તેમના પુત્રને એરપોર્ટ પર મૂકવા માટે ગયા હતા. એરપોર્ટથી તેઓ રાતે ૩.૩૦ વાગ્યે ઘરે પરત ફર્યા હતા. ઘરે આવીને તેઓ સુતા તેની ૨૦ મિનિટ બાદ ઘરમાં અવાજ થયો હતો. અવાજના લીધે ઘરના અન્ય સભ્યો પણ જાગી ગયા હતા. તેઓએ તેમની દુકાનમાં જઈ તપાસ કરતા માલસામાન વેર વિખેર હાલતમાં પડ્યો હતો. દુકાનમાં તસ્કરોનું શટર તોડી અંદર પ્રવેશી દુકાનમાં રહેલા સોના અને ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. તસ્કરો દુકાનમાંથી આશરે પાંચ કિલો ચાંદી અને સોનાના પેન્ડલ મળી રૂ. ૪.૧૫ લાખની મતાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. તસ્કરો દુકાનમાં લાગેલા સીસીટીવીનું ડીવીઆર પણ ચોરી ગયા હતા.
ચાંદખેડા પોલીસને જાણ કરાતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે આ બનાવ અંગે જરૂરી ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જા કે, બનાવને પગલે વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. તસ્કરો એટલી સિફતતાપૂર્વક હાથ સાફ કર્યો હતો કે, ઘરની બહાર જ દુકાન હોવાછતાં ઘરના સભ્યોને ચોરીની જાણ સુધ્ધાં થઇ ન હતી.