સ્ટેચ્યુ ઓફ યુનિટીના ૨૦૦ કર્મીઓનો પગાર હજુ બાકી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ : નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ છાશવારે કોઇને કોઇ વિવાદ સામે આવતો રહે છે. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળ પર ફરજ બજાવતાં આશરે ૨૦૦થી વધુ કર્મચારીઓને છેલ્લા અઢી-ત્રણ મહિનાથી પગાર નહી મળ્યો હોવાનો નવો વિવાદ સામે આવ્યો છે. રોષે ભરાયેલા કર્મચારીઓએ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉચ્ચ સત્તાધીશો અને ઉપરી અધિકારીઓને ઉગ્ર રજૂઆત કરી હતી. કર્મચારીઓની બબાલને લઇ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટિકિટ બારી પણ મોડી ખુલી હતી. જેના કારણે પ્રવાસીઓને થોડી હાલાકીનો ભોગ બનવું પડયું હતું.

વિશ્વનું અનોખુ પર્યટક સ્થળ બની રહેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિવિધ વિભાગોમાં ત્રણથી ચાર ખાનગી કંપની કામ કરે છે. જેમાં સ્થાનિકોને નોકરીમાં પ્રાધાન્ય આપ્યું હોઇ એ માટે આ તમામ એજન્સીઓમાં ૨૦૦થી વધુ યુવક યુવતીઓ નોકરી કરે છે. જેમાં કોઈ ટિકિટબારી પર, તો કોઈ ચોકીદાર, સફાઈ કામદાર અને માળી સહિતની ફરજા બજાવી રહ્યા છે પરંતુ આ કર્મચારીઓમાં ખાસ કરીને સ્થાનિક આદિવાસી કર્મચારીઓનો છેલ્લા અઢીથી ત્રણ મહિનાથી પગાર થયો નથી, જેને લઇ કર્મચારીઓમાં ભારે નારાજગી અને રોષની લાગણી ફેલાઇ હતી.

ત્રણ મહિનાથી પગારના વલખા મારતા રોષે ભરાયેલા કર્મચારીઓએ આજે સવારે પગાર મુદ્દે ઉપરી અધિકારીઓ સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી. પગારની રક્ઝક દોઢેક કલાક ચાલી હતી, આ બબાલના કારણે ટિકિટબારી પણ એકથી દોઢ કલાક મોડી ખુલી હતી. ખાનગી એજન્સીઓ જે કામગીરી સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રોજેક્ટમાં કરે છે, તેમાં બહારના અને સ્થાનિક આદિવાસી તમામ કર્મચારીઓમાં સત્તાવાળાઓ દ્વારા વ્હાલા દવલાની નીતિ અપનાવી ભેદભાવ રાખતા હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે. નારાજ કર્મચારીઓએ આક્ષેપ કર્યા હતા કે, બહારથી આવેલા કર્મચારીઓને પૂરો પગાર અપાય છે જ્યારે સ્થાનિકોને ઓછો પગાર અપાય છે અને તેમાંથી પણ જેટલા પર સહીઓ કરાવે છે તેના કરતા અડધો પગાર અપાય છે. એટલું જ નહી, સમયસર પગાર પણ આપવામાં આવતો નથી. આમ, કર્મચારીઓના શોષણનો સમગ્ર મામલો સામે આવતાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો એક નવો વિવાદ સામે આવ્યો છે.

Share This Article