અમદાવાદ: રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સમગ્ર વિશ્વમાં હજારો નેતાઓ થઇ ગયા છે. તેમાંથી આવા નેતાઓની ગણના દેશ માટે અને કેટલાકની વિશ્વમાં દીર્ઘદ્રષ્ટિ, બુધ્ધિશાળી, પ્રજાપ્રિય નેતા તરીકે ગણના થાય છે. તેમાં શિરમોર સમાન સરદાર પટેલને એકતા, અખંડિતતાના મહાન શિલ્પી તરીકેની યાદગીરી આવનારી પેઢી માટે માર્ગદર્શક બની રહે અને પુણ્યશાળી બનાવવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ૨૩૩૨ કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે જે દેશની ભાવિ પેઢી માટે પ્રેરણાનો અનંત સ્ત્રોત બની રહેશે તેમ કહ્યું હતું.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે આણંદ જિલ્લાના કરમસદ ખાતેના સરદાર પટેલના જીવન સંદેશને લઇને વડોદરા ઝોનમાં કરમસદ ખાતેથી સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતા રથયાત્રા અને સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી એકતા રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ તત્કાલિન મુખ્ય મંત્રી અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ સ્ટેચ્યુ ઓફ યુનિટી નિર્માણ થકી સ્વપ્ન સાકાર થઇ રહ્યું છે તેમ જણાવી કરમસદ નગરએ વિશ્વના ઇતિહાસમાં ઐતિહાસિક નામના મેળવી છે તેમ કહ્યું હતું. પટેલે ગાંધીજી સાથે દેશની આઝાદીની લડતમાં જોડાયેલા દેશ ભકતોમાં સરદાર વલ્લભભભાઇ પટેલ એક અગ્રગણ્ય સ્વાતંત્ર્ય સેનાની હતા. તેઓ એક સફળ તેજસ્વી વિદ્યાર્થી સાથે બેરીસ્ટર પણ હતા. પૂ. મહાત્મા ગાંધી સાથે મુલાકાત બાદ સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયા ત્યારથી શરૂ કરીને સરદાર વલ્લભભાઇ પટેલના સમગ્ર જીવન દરમિયાનના વિવિધ સત્યાગ્રહો, કુદરતી આફતો અને અવરોધો વચ્ચે તેમણે અમદાવાદ નગરપાલિકાના પ્રમુખથી શરૂ કરીને નાયબ વડાપ્રધાન સુધીની સફરની જીવન ઝરમરની ઝાંખી કરાવી હતી. નાયબ મુખ્યમંત્રીએ સરદાર વલ્લભભાઇ પટેલે દેશની આઝાદી બાદ દેશની એકતા-અખંડિતતા માટે ૫૫૦થી વધુ રાજા-રજવાડાઓના વિલિનીકરણ કરવા માટે ભજવેલ ભૂમિકાની અને હૈદરાબાદના નિઝામ અને જૂનાગઢના નવાબને કેવી રીતે વિલિનીકરણ કરવા માટે તૈયાર કર્યા હતા તેનો ઇતિહાસ પણ રજૂ કર્યો હતો.
પટેલે આઝાદી પછી સ્વાતંત્ર્ય સેનાનીઓનો ઇતિહાસ પહોંચાડવામાં ન આવ્યો જેના કારણે એક જ વ્યક્તિ-પરિવારે આઝાદી અપાવી તેવા વાતાવારણનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેના કારણે સરદાર પટેલની વિરાટ અને વિરલ પ્રતિભાને ઉજાગર કરવા અને ભાવિ પેઢી સરદાર પટેલના માર્ગદર્શન સિધ્ધાંતોને જાણી શકે અને તેમના માર્ગે ચાલીને દેશની એકતા-અખંડિતતા અને સાર્વભૌમત્વને બરકરાર રાખવા માટેનો એક પ્રેરણાદાયી માધ્યમ બની રહેશે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો. પટેલે આ પ્રસંગે કાશ્મીરનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, જો સરદાર પટેલ પાસે કાશ્મીરનો પ્રશ્ન હોત તો આજે જે સમસ્યા છે તે સમસ્યા આજે કદાચ નહોત. પટેલે સરદાર પટેલનું માન-સન્માન જાળવવાની સાથે આપણે તેમના વારસદારો છે ત્યારે આજની અને આવનારી પેઢીમાં સરદાર પટેલના સંસ્કારો અને માર્ગદર્શકોનું સિંચન કરવા માટેનું એક ઉત્તમ માધ્યમ બની રહેશે તેમ કહ્યું હતું. નાયબ મુખ્ય મંત્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતા રથયાત્રાના માધ્યમથી સરદાર પટેલના જીવન સાથે જોડાયેલી ફિલ્મ અને સરદાર પટેલના કાર્યોને ઉજાગર કરતા સાહિત્યનું વિતરણ પણ યાત્રા દરમિયાન ગામે-ગામ કરવામાં આવશે.
આ એકતા યાત્રા રાજયના ૧૦ હજારથી વધુ ગામોમાં પરિભ્રમણ કરી સરદાર પટેલનો પ્રેરક સંદેશો પાઠવવાની સાથોસાથ જનજનમાં એકતા અને અખંડિતતાની ભાવનાને વધુ બળવત્તર બનાવવામાં મહત્વની ભૂમિકા અદા કરશે તેમ જણાવી વિશ્વની તમામ પ્રતિમાઓમાં સહુથી ઊંચી અને વિશ્વની સૌથી વિરાટ સરદાર પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ સરદાર સરોવરની સમીપે, નર્મદા તટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરદાર પટેલની ૧૪૩મી જન્મજયંતિ પ્રસંગે તા. ૩૧મી ઓકટોબર, ૨૦૧૮ના રોજ રાષ્ટ્રાર્પણ કરવાના છે તેનું એકતાયાત્રા રથના માધ્યમથી જનજનને આમંત્રણ પાઠવવામાં આવી રહ્યું તેમ ઉમેર્યું હતું.