અમદાવાદ : સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું નિર્માણ કરાયું છે તે સાધુ બેટ પર પહેલા આદિવાસીઓની આસ્થાનું કેન્દ્ર હતું એ મતલબનો દાવો આદિવાસી સમાજ તરફથી કરવામાં આવતાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ પહેલાં ભારે ખળભળાટ મચી ગયો છે. આદિવાસી સમાજે તેમના આસ્થાના કેન્દ્રના મંદિરના પૂજારી સહિતના ડોક્યુમેન્ટ અને તસવીરોને પુરાવા તરીકે રજૂ કર્યા છે. આદિવાસીઓની આસ્થાના મંદિરને તોડીને તેના પર સરદાર પટેલને બેસાડાયા હોવાનો આરોપ તેઓ લગાવી રહ્યા છે.
જેને લઇ હવે ફરી એકવાર આ મુદ્દે રાજકારણ ગરમાયું છે. બીજીબાજુ, સ્ટેચ્યુ ઓફ યુનિટીના રાષ્ટ્રને લોકાર્પણ પહેલાં આદિવાસીઓના વિરોધ અને વિવાદને શાંત પાડવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેમના આગેવાનોના પ્રતિનિધિમંડળને મળી સન્માનિત કરાય તેવી પણ શકયતા સેવાઇ રહી છે. સરદારને આદિવાસીઓના આસ્થાના મંદિરને તોડીને તેના પર બેસાડીને આદિવાસી સંસ્કૃતિનું અપમાન નથી કરવામાં આવ્યું ? તેવા સવાલ સાથે ડો. પ્રફૂલ વસાવાએ જણાવાયું છે કે, જ્યાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી બન્યું છે તેનું નામ વરતા બાવાની ટેકરી હતી.
પરંતુ આ નામ આદિવાસી સંસ્કૃતિ સાથે જોડાયેલું હોવાથી મોદી સરકારે ચાલાકી સાથે તેનું નામ સાધુ ટેકરી રાખ્યું હતું. સાધુ ટેકરીને આદિવાસીઓ વરતા બાવાની ટેકરીના નામથી ઓળખતા હતા અને તે તેમની સંસ્કૃતિનું અભિન્ન અંગ હતું. ત્યારે વરતા બાવાની ટેકરી પર આદિવાસીઓની આસ્થાનું મંદિર હતું તેને તોડી પડાયું હતું. તેમજ મંદિરના પૂજારી એવા ઈશ્વરભાઈ તડવીને પોલીસ અને જંગલ વિભાગના અધિકારીઓએ મળીને ધમકાવ્યા હોવાનો આદિવાસી સમાજ આરોપ લગાવી રહ્યો છે. જેને લઇ હવે એક નવો જ વિવાદ સામે આવી રહ્યો છે. જા કે, આદિવાસી સમાજના તેમના આસ્થાના મંદિર તોડીને આ સ્થાને નિર્માણ કરાયેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રોજેકટને લઇ હવે ભારે ખળભળાટ મચ્યો છે.