સ્ટાર્ટઅપ દિવસ નિમિત્તે આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયા ભાટ ખાતે નેશનલ ‘વાર્ષિક સ્ટાર્ટઅપ સમિટ -૨૦૨૩ એમ્પ્રેસેરિયો’ નું ઉદ્યોગ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ઉદઘાટન કર્યું હતું.
ઉદ્યોગ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સમિટનું ઉદઘાટન કરતા કહ્યું કે, સ્ટાર્ટઅપ્સ માટે સાનુકૂળ ઇકોસિસ્ટમનું નિર્માણ કરવા રાજ્ય સરકાર હર હંમેશ કટિબદ્ધ છે. આવનારા દિવસોમાં ગુજરાત ‘સ્ટાર્ટ અપ’ ક્ષેત્રે વિશ્વના સ્ટાર્ટ અપ ઇન્નોવેટર્સની પ્રથમ પસંદગી બનશે.
મંત્રી સંઘવીએ જણાવ્યું કે, રાજ્ય સરકારની સચોટ નીતિઓ, મજબૂત સંસ્થાકીય વ્યવ્સ્થાપન અને ખાનગી ક્ષેત્રની ગતિશીલ ભાગીદારીને પરિણામે આજે ગુજરાત દેશના સૌથી પ્રગતિશીલ સ્ટાર્ટઅપ સ્થળોમાંનું એક છે. ‘સ્ટેન્ડ અપ ઈન્ડિયા’ અને ‘સ્ટાર્ટ અપ ઈન્ડિયા’ યોજનાઓ વર્ષ ૨૦૧૬ માં શરૂ કરવામાં આવી હતી અને ત્યારથી આજ સુધી ૮૦,૦૦૦ થી વધુ સ્ટાર્ટ અપ્સ નોંધાયા છે અને ૧૦૦ થી વધુ યુનિકોર્ન તૈયાર થયા છે. આ સ્ટાર્ટ અપમાં ૪૮% થી વધુ મહિલાઓ જોડાયેલી છે તે ગૌરવ પુર્ણ વાત છે એમ પણ મંત્રીએ ઉમેર્યું હતુ.
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે સ્ટાર્ટઅપ માટે સાનુકુળ ઇકોસીસ્ટમ તૈયાર થાય તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જરૂરી નિયમો અને જોગવાઇઓમાં ફેરફારો પણ કરવામાં આવ્યા છે. અન્ય રાજ્યોના સ્ટાર્ટઅપ કેન્દ્રોનું ગુજરાતના સ્ટાર્ટઅપ કેન્દ્રો સાથે જોડાણ કરી આંતરરાજ્ય પ્રાદેશિક સ્ટાર્ટઅપ કેન્દ્રો તૈયાર કરવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા ઇનોવેટીવ અને સસ્ટેઇનેબલ સમાધાન કરીને તથા ઇન્ક્યુબેટર્સ અને એક્સલરેટર્સ સ્થાપિત કરીને સ્ટાર્ટઅપની સમસ્યાઓનું સફળતાપૂર્વક સમાધાન પણ કરવામાં આવ્યું છે.
ઇડીઆઇઆઈના ડાયરેક્ટર જનરલ ડો. સુનિલ શુક્લાએ સ્વાગત પ્રવચન કરતાં કહ્યું હતું કે, ઇડીઆઇઆઈની સ્ટાર્ટઅપ સમિટ ભારતમાં સૌથી વધુ વિશિષ્ટ આંતરપ્રિન્યોરિયલ ફેસ્ટિવલ્સ પૈકીની એક છે. વર્ષ ૨૦૧૨માં એની શરૂઆત થયા પછી અત્યાર સુધી એમ્પ્રેસેરિયોમાં ૧,૦૦૦થી વધારે સ્ટાર્ટઅપની ભાગીદારી જોવા મળી છે. અહીં વિચારો અને રોજગારીની તકોના સર્જન માટે માર્ગદર્શન આપવામાં આવે છે.
ડો. શુક્લાએ સ્ટાર્ટઅપ્સની સફળતામાં ટેકનોલોજી અને ઇનોવેશનની ભૂમિકા પર ભાર મૂકતા કહ્યું કે, ઇડીઆઇઆઈનું ટેકનોલોજી બિઝનેસ ઇન્ક્યુબેટર–સેન્ટર ફોર એડવાન્સિંગ એન્ડ લોંચિંગ એન્ટરપ્રાઇઝીસ (ક્રેડલ)એ અત્યાર સુધી ૧૦૬ સ્ટાર્ટઅપનું ઇન્ક્યુબેશન કર્યું છે. જેના થકી રૂ. ૩૦ કરોડ થી વધુનું નાણાકીય ભંડોળનું સર્જન થયુ છે. ઇડીઆઇઆઈ હવે અટલ ઇનોવેશન મિશન (એઆઇએમ) અંતર્ગત નીતિ આયોગ દ્વારા માન્યતા પ્રાપ્ત વધુ એક ઇન્ક્યુબેશન સેન્ટર મેળવશે. ઇડીઆઇઆઇએ દેશમાં ઉદ્યોગ સાહસો અને સ્ટાર્ટઅપ્સની સંખ્યા વધારવા કેટલાંક કોર્પોરેટ સાથે સીએસઆર પ્રોજેક્ટનું પણ જોડાણ કર્યું છે.
ફિક્કીના સહ-અધ્યક્ષ રાજીવ ગાંધીએ કહ્યું કે, એમ્પ્રેસેરિયો એક મોટું નેટવર્કિંગ પ્લેટફોર્મ છે અને નેટવર્કિંગના નવા માપદંડો ઊભા કરવા, તકોનું સર્જન કરવા અને જાણકારી વધારવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે. તેમણે ઉદ્યોગ સાહસિક માટે સમર્પણ, સંકલન અને કટિબદ્ધતા જેવા મૂલ્યોના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો. વર્તમાન અને ભવિષ્યના સ્ટાર્ટઅપ્સ માટે સંસ્થાને પારદર્શક માનવીય સંશાધન નીતિ અને સારું કમ્યુનિકેશન સ્થાપિત કરવાની પણ તેમણે સલાહ આપી હતી.
ઉત્તરાખંડના ઉચ્ચ શિક્ષણ વિભાગના મદદનીશ નિયામક દીપકકુમાર પાંડેએ કહ્યું હતું કે, દેશમાં ઉદ્યોગ સાહસિકતા અને સ્ટાર્ટઅપ્સની વિભાવના વેગ પકડી રહી છે ત્યારે યુવાનો અને સમાજના અન્ય વર્ગો ઉદ્યોગ સાહસિકતાને એક કારકિર્દી તરીકે અપનાવે તે જરૂરી છે.
આ બે દિવસીય સમિટમાં સફળ ઉદ્યોગ સાહસિકો દ્વારા માસ્ટર ક્લાસ અને સફળ સ્ટાર્ટઅપ સ્થાપકો દ્વારા વર્કશોપનું આયોજન કરી વિદ્યાર્થીઓને વિશેષ માર્ગદર્શન પણ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં ૨૮ નોમિનેશનમાંથી ૪ સ્ટાર્ટઅપ્સને ‘ધ સ્ટાર્ટઅપ એવોર્ડ ૨૦૨૩’ એનાયત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં લોકપ્રિય રિયાલિટી શો ‘શાર્ક ટેન્ક ઈન્ડિયા’માં દર્શાવવામાં આવેલા સ્ટાર્ટઅપ્સ સહિત જાણીતા ઉદ્યોગપતિઓ, સફળ સ્ટાર્ટઅપ સ્થાપકો, સ્ટાર્ટઅપના રોકાણકારો અને ઈડીઆઇઆઇના વિધાર્થીઓ બહોળી સંખ્યામાં સહભાગી થયા હતા.