અમદાવાદ મેડિકલ એસોસિએશન (એએમએ) અને વિમેન ડોક્ટર્સ વિંગ દ્વારા તા. ૨૫ નવેમ્બર,૨૦૧૯થી તા.૨૯ નવેમ્બર,૨૦૧૯ દરમિયાન અમદાવાદ શહેરનાં પોલીસ દળમાં ફરજ બજાવતા મહિલા કર્મચારીઓ માટે મહિલા પોલીસ સ્વાસ્થ્ય જાગૃતિ ઝુંબેશનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અમદાવાદ મેડિકલ એસોસીએશનમાં બપોરે ૩-૦૦ થી સાજે ૫ -૦૦ દરમ્યાન યોજાશે. આ કાર્યક્રમ અમદાવાદ શહેરનાં પોલીસ કમિશ્નર શ્રી આશિષ ભાટિયા અને ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ શ્રી નિપુર્ણા તરવાણેની સકારાત્મક મંજૂરીને કારણે શક્ય બન્યો છે.
આ અંગે ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ શ્રી નિપુર્ણા તરવાણેએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં કુલ ૧૬૧૨ મહિલા પોલીસ કર્મચારીઓ ખડેપગે સમાજસેવામાં કાર્યરત છે. મહિલા પોલીસ કર્મચારીઓ તેમની ફરજની સાથોસાથ કુટુંબની જવાબદારીઓ નિભાવતી હોય છે, જેને કારણે તે પોતાના સ્વાસ્થ્ય અંગે સંપૂર્ણ તકેદારી રાખવામાં ઓછી જાગૃત હોય છે. અમદાવાદ મેડિકલ એસોસીએશન (એએમએ) અને વિમેન ડોક્ટર્સ વિંગ દ્વારા પાંચ દિવસીય મહિલા પોલીસ સ્વાસ્થ્ય જાગૃતિ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે તે સરાહનીય છે. જેના લીધે મહિલા પોલીસ કર્મચારીઓમાં બ્રેસ્ટ કેન્સર, ઓર્ગન ડોનેશન તેમજ એનેમિક ઉણપ અંગેની જાગૃતિ આવશે.
આ કાર્યક્રમ અંગે અમદાવાદ મેડિકલ એસોસિએશનનાં પ્રેસિડેન્ટ ડો. મોના દેસાઈએ જણાવ્યું હતું કે, આપણે સૌ જાણીએ છીએ કે બ્રેસ્ટ કેન્સરનાં કેસોનું પ્રમાણ વધી રહ્યું છે. પહેલા ૫૦ થી વધુ વયની મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ જોવા મળતું હતું. હાલની પરિસ્થિતમાં ધરમૂળથી પરિવર્તન આવ્યું છે અને ૨૦ વર્ષથી વધુ વય ધરાવતી મહિલાઓમાં પણ હવે બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે. ઉપરાંત મહિલાઓ પોતાનાં સ્વાસ્થ્યનાં મુદ્દાઓમાં બેદરકાર હોય છે તેવું પણ જણાયું છે. જો બ્રેસ્ટકેન્સરનું શરૂઆતમાં નિદાન થાય તો તેની સંપૂર્ણ સારવાર થઈ શકે છે અને મૃત્યુને ટાળી શકાય છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આ ઝુંબેશમાં ઓર્ગન ડોનેશન સભાનતા ઝુંબેશની ચર્ચાને પણ આવરી લેવામા આવી છે. ભારતમાં દરરોજ અંદાજે ૬૦૦૦ વ્યક્તિઓનાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટનાં અભાવે મૃત્યુ થાય છે.
આથી અંગદાનની જાગૃતિ આવે અને જીવન બચાવી શકાય તે જરૂરી છે. ડો. મોના દેસાઈએ જણાવ્યું કે, મોટાભાગની ભારતીય મહિલાઓ એનેમિક છે અને તેમાં મહિલા પોલીસ કોઈ અપવાદ નહિં હોવાનું જણાયું છે. આથી મહિલા પોલીસનાં એચબી એસ્ટીમેશન સાથેનાં સંપૂર્ણ બ્લડ કાઉન્ટ કરવામાં આવશે.
આ ઝુંબેશમાં મહિલા પોલીસને પૌષ્ટીક આહાર અંગેની સલાહ અને એક માસની આયર્ન ટેબલેટ્સ પણ આપવામાં આવશે. સ્વાસ્થ્ય જાગૃતિ ઝુંબેશને લઇ શહેરની મહિલા પોલીસ કર્મીઓમાં પણ ભારે ઉત્સાહ જણાઇ રહ્યો છે તો, અમદાવાદ મેડિકલ એસોસીએશન અને વિમેન ડોકટર્સ વિંગની આ અનોખી પહેલની ભારોભાર પ્રશંસા થઇ રહી છે.