અમદાવાદ: સમગ્ર રાજ્યમાં જમીનને લગતી એન.એની કામગીરી હવે ઓનલાઇન કરવાનું સરકાર આયોજન હાથ ધરી રહી છે. જમીનની એન.એની કામગીરી ઓનલાઇન થવાથી બહુ મોટી રાહત થશે પરંતુ સાથે સાથે પારદર્શિતા પણ વધી જશે. ઓનલાઇન પ્રક્રિયા માટે પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે અમદાવાદ જિલ્લાની પસંદગી કરાઇ છે. તેથી સૌપ્રથમ અમદાવાદમાંથી આજે આ કામગીરીનો પ્રારંભ થયો હતો.
અમદાવાદના પાયલોટ પ્રોજેકટમાં સફળતા મળ્યા બાદ રાજયના અન્ય જિલ્લા-તાલુકાઓમાં તેની અમલવારી અંગેની દિશામાં સરકાર આયોજન હાથ ધરશે. અમદાવાદમાં જમીનોની એન.એની કામગીરી ઓનલાઇન કરવાનો આ પ્રોજેકટ હાલના તબક્કે આ પ્રોજેક્ટ માત્ર ટ્રાયલ રન રહેશે. આ માટે પાંચ સભ્યોનો એક ખાસ સ્ક્રૂટીની સેલ ઊભો કરાયો છે. અરજદારોની જે અરજીઓ આવશે અને તેમાં જે રેકોર્ડ રજૂ કરવામાં આવ્યો હશે તેનું આ સેલ વેરિફિકેશન કરશે ઓનલાઇન એન.એ પ્રક્રિયામાં કામગીરી ઝડપી બનશે.
સામાન્ય સંજોગોમાં અરજદારે અરજી કર્યા બાદ જરૂરી પુરાવા પૂરતા પ્રમાણમાં મૂક્યા હશે તો ૪પ દિવસમાં તેનો નિકાલ કરવામાં આવશે. જ્યારે કોઈ વિવાદિત કિસ્સામાં વધુમાં વધુ ૯૦ દિવસનો સમય લાગશે અને તેના માટે ગાંધીનગર અને અમદાવાદનો ડેટા બેઝ તૈયાર કરી દેવાયો છે. એક લાખથી વધુ રેકોર્ડનો ઓનલાઇન ડેટા બેઝ તૈયાર કરાયો છે. વધુ કામગીરી હાલમાં ચાલુ છે પારદર્શક પ્રક્રિયાના ભાગરૂપે અરજદારે એન.એ માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે. અરજદારે એન.એ માટે જે અરજી કરી હશે તેમાં તે જમીનના ૭-૧ર અને ૮-અ ના ઉતારા તેમાં વારસાઈમાં જેટલાં નામ હોય તે તમામના સહી-સિક્કા સાથેના સોગંદનામા સાથેનો તમામ રેકોર્ડ રજૂ કરવો પડશે. વિદેશમાં રહેતી વ્યક્તિની પાવર આૅફ એટર્ની નહીં, છેલ્લે પાંચ સભ્યની ટીમ દ્વારા અરજી સાથે જોડાયેલ રેકોર્ડ ચેક કરવામાં આવશે તેનું વેરિફિકેશન કરવામાં આવશે. ત્યારબાદ તેને ઓનલાઇન એન્ટર કરવામાં આવશે.
ઓનલાઇન અરજીની ચકાસણી માત્ર ત્રણ દિવસમાં જ કમીટીએ કરી લેવાની રહેશે ત્યારબાદ કલેકટર દ્વારા જરૂર પ્રમાણે ઓપિનિયન મંગાવવામાં આવશે. અરજી માટે ત્રણ ચેનલ નિયત કરાઈ છે-ગ્રીન, યલો અને રેડ. ગ્રીન ચેનલમાં અરજીનો નિકાલ ૧પ દિવસમાં થશે. યેલો ચેનલમાં ૪પ દિવસમાં અરજદારને હા કે નાનો જવાબ મળી જશે, જ્યારે રેડ ચેનલમાં ૯૦ દિવસમાં જવાબ મળશે. અગાઉ એન.એ માટેની ફાઈલ જુદાં જુદાં ૧પ ટેબલ પર ફરતી હતી. હવે માત્ર ત્રણ લેવલ પરથી પસાર થશે, જેમાં ચીટનીશ અરજીની ચકાસણી કરશે. ત્યારબાદ એડિશનલ કલેક્ટરને મોકલશે. તેઓ ચકાસણી કરીને કલેકટરને મોકલશે. જિલ્લા કલેકટર અરજી અંગે આખરી નિર્ણય લેશે. કલેક્ટર કચેરીમાં જમીન રિ-સર્વેની વાંધાઅરજીઓનો તબક્કાવાર નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જે આગામી સપ્ટેમ્બરના અંત સુધીમાં પૂર્ણ કરી દેવાશે તેમજ ૧૦૦ ટકા જમીન માપણી રિ-સર્વેની અને વાંધાઅરજીઓના નિકાલની કામગીરી પૂર્ણ કરાશે.
આ સતત ચાલતી પ્રક્રિયા હોવાથી જમીન માપણી રિ-સર્વેની બાબતમાં ખેડૂતને સંતોષ ન થાય ત્યાં સુધી સરકાર પોતાનો રેકોર્ડ ફાઇનલ નહીં કરે. રિ-સર્વેમાં વાંધાઅરજીઓનો નિકાલ કરવા માટે જિલ્લામાં કેમ્પ યોજવામાં આવશે, જેમાં પ્રથમ કેમ્પ આજે દસક્રોઇ તાલુકામાં યોજાયો છે, જેમાં રિ-સર્વેમાં વાંધા અંગેની કુલ ૧૦૦૦ અરજીઓનો નિકાલ કરાશે અને તેના અરજદારને રેવન્યૂ રેકોર્ડમાં અસરવાળી ઓર્ડરની કોપી આપવામાં આવશે. એન.એની ઓનલાઇન પ્રક્રિયાના કારણે જમીનધારક કે જમીનમાલિકોને ઘણી રાહત તો થશે જ પરંતુ સમગ્ર પ્રક્રિયા પારદર્શિતા વધી જવાથી ઘણી ફરિયાદોનું નિવારણ પણ થવાની શકયતા છે.