બિહારમાં ગરીબનાથ મંદિરમાં ભાગદોડઃ ૩૦ શ્રદ્ધાળુ ઘાયલ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

પટણાઃ બિહારના મુઝફ્ફરપુર સ્થિત લોકપ્રિય અને વિશ્વપ્રસિદ્ધ ગરીબનાથ મંદિરમાં આજે સવારે એકાએક ભાગદોડની ઘટના બની જતા તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. આ બનાવમાં ૩૦થી વધારે શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે. જે પૈકી કેટલાકની હાલત હોસ્પિટલમાં ગંભીર દર્શાવવામાં આવી છે. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ઘાયલ થયેલા તમામ શ્રદ્ધાળુઓ આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારના દિવસે ભગવાન શિવને જલાભિષેક કરવા માટે પહોંચ્યા હતા.

એમ માનવામાં આવી રહ્યુ છે કે વધારે પડતા શ્રદ્ધાળુઓ મંદિરમાં એકત્રિત થઇ ગયા હતા. જેના કારણે આ બનાવ બન્યો હતો. શ્રદ્ધાળુઓને કાબુમાં લેવામાં મંદિર સંકુલના લોકોને પણ સફળતા મળી ન હતી. ઘાયલ થયેલા તમામ શ્રદ્ધાળુઓને સારવાર માટે તરત જ નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.  શ્રાવસ માસના પ્રથમ દિવસે સોમવારના દિવસે શિવની ઉપાસના ખાસ રીતે કરવામાં આવે છે. જેના કારણે આજના દિવસનુ ખાસ મહત્વ રહે છે. જેના ભાગરૂપે આજે દેશના તમામ નાના મોટા શિવ મંદિરમાં સવારથી જ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.

બાબા ગરીબનાથ મંદિરમાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા હતા. ભીડ પર કાબુ મેળવી લેવાના પ્રયાસ પુરતા સાબિત થયા ન હતા. ભીડના કારણે ભાગદોડની ઘટના બની હતી. અફડાતફડીના કારણે કેટલાક લોકો નીચે પડી ગયા હતા. કેટલાકના પગ કચડાઇ ગયા હતા. કોઇ રીતે વહીવટીતંત્ર દ્વારા સ્થિતીને કાબુમાં લેવામાં આવી હતી. ૨૦ લોકો ઘાયલ થયા હોવાના હેવાલ મળ્યા છે.

અત્રે ખાસ પ્રકારથી  નોંધનીય છે કે આ મંદિરમાં દર વર્ષે શ્રાવણના મંદિરમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચે છે. આ તમામ શ્રદ્ધાળુઓ જળાભિષેક કરવા માટે પહોંચે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અહીં કેટલીક વખત આ પ્રકારની ઘટના બનતી રહી છે. પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થયા બાદ શ્રદ્ધાળુઓ આજે પ્રથમ સોમવારના દિવસે શિવ મંદિરમાં ઉમટી પડ્યા હતા.દેશભરના શિવાલયો હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાયના પવિત્ર જયઘોષથી ગુંજી ઉઠયા હતા. વહેલી સવારથી જ દેવાધિદેવ મહાદેવના દર્શન, દૂધ-જળાભિષેક, બિલ્વપત્રનો અભિષેક, ચોખા,કાળા તલ સહિતના ધાન્યનો અભિષેક કરવા શ્રદ્ધાળુઓ ઉત્સુક દેખાયા હતા.

Share This Article