ચેન્નાઇ: સ્વર્ગસ્થ કરૂણાનિધીના પુત્ર એકે સ્ટાલિન આજે ડીએમકે પ્રમુખ તરીકે બિનહરિફ ચૂંટાઇ આવ્યા બાદ આને લઇને ચાલી રહેલી તમામ પ્રકારની અટકળોનો અંત આવ્યો હતો. આની સાથે જ તમિળનાડુના ઇતિહાસમાં હવે એક નવા યુગની શરૂઆત ડીએમકેમાં થઇ રહી છે. પાર્ટીના વરિષ્ઠ નેતા એસ દુરાઇમુરુગન પાર્ટીના ખજાનચી બની ગયા ગયા હતા.
કરૂણાનિધીના અવસાનના કારણે પાર્ટી પ્રમુખની જગ્યા ખાલી થઇ હતી. વર્ષ ૧૯૬૯ બાદથી કરૂણાનિધી પાર્ટી પ્રમુખ તરીકે રહ્યા હતા. આજે પાર્ટી હેક્વાર્ટસ ખાતે ડીએમકેની જનરલ કાઉન્સિલની બેઠક યોજાઇ હતી. જેમાં પાર્ટીના જનરલ સેક્રેટરી કે. અનબાઝગાને સ્ટાલિન પાર્ટી પ્રમુખ ચૂંટાયા હોવાની જાહેરા કરી હતી. તમિળનાડુના પાંચ વખતના મુખ્યમંત્રી રહેલા અને કલાઈનારના નામથી લોકપ્રિય ડીએમકેના પ્રમુખ મુથ્થુવેલ કરૂણાનિધિનું સાતમી ઓગષ્ટના દિવસે સાંજે ચેન્નાઈની કાવેરી હોસ્પિટલમાં ૯૪ વર્ષની વયે અવસાન થતાં તેમના લાખો સમર્થકોમાં આઘાતનું મોજુ ફરી વળ્યું હતું. કરૂણાનિધી આશરે છ દશક સુધી રાજકીય કેરિયરમાં મોટાભાગે તેઓ તમિળનાડુના રાજનીતિમાં મુખ્ય ધ્રુવ તરીકે રહ્યા હતા. ૫૦ વર્ષ સુધી પોતાની પાર્ટીના પ્રમુખ તરીકે રહ્યા હતા.
કરૂણાનિધિ પાંચ વખત તમિળનાડુના મુખ્યમંત્રી તરીકે રહ્યા હતા. અગાઉ તમિળનાડુના પૂર્વ મુખ્યમંત્રીની તબિયત ખરાબ થતાંની સાથે જ તેમના સમર્થકો ઉમટી પડ્યા હતા. કરૂણાનિધી છ દશક સુધી રાજનીતિમાં જોરદારરીતે સક્રિય રહ્યા હતા. બહુમુખી પ્રતિભા હોવાના કારણે તેઓ કલાઈનાર તરીકે લોકપ્રિય થયા હતા. દ્રવિડ આંદોલનથી તેઓ રાજકીયરીતે મજબૂત બન્યા હતા. કરૂણાનિધિ તમિળ ભાષા ઉપર ખુબ સારી પકડ ધરાવતા હતા. અનેક પુસ્તકો, ઉપન્યાસો, નાટકો, તમિળ ફિલ્મો માટે સંવાદ લખ્યા હતા. તમિળ સિનેમાથી રાજનીતિમાં એન્ટ્રી કરનાર કરૂણાનિધિ છ દશક સુધી રાજકીય જીવનમાં એક પણ ચૂંટણી હાર્યા ન હતા. કરૂણાનિધીના અવસાન બાદ પાર્ટી પ્રમુખના નામ પર ચર્ચા હતી.