અમદાવાદ : એસટી નિગમ નવા વર્ષમાં અમદાવાદના પેસેન્જરોને નવી ભેટ આપવા જઈ રહ્યું છે, જે મુજબ એસટી બસને હવે ગોવા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ (હરિદ્વાર), હરિયાણા અને ચંડીગઢ સુધી દોડાવવા માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. હાલમાં એસટી નિગમ દ્વારા હરિયાણા, ગોવા, ચંડીગઢ, દિલ્હી વગેરે રાજ્ય પાસેથી એસટી બસ દોડાવવા માટે એનઓસી માગવામાં આવી છે. એનઓસી મળ્યા બાદ એસટી નિગમ આ રૂટ પર પોતાની એસી સ્લીપર, નોન-એસી સ્લીપર તેમજ વોલ્વો બસ દોડાવશે. હાલમાં એસટી નિગમ પાસે માત્ર મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં જ બસ દોડાવવાની પરવાનગી છે, જા કે, અન્ય રાજ્યએ પણ ગુજરાતમાં બસ દોડાવવા માટે પરવાનગી માગી છે. એસટી નિગમના નવા નિર્ણયને પગલે રાજયના પ્રવાસીઓમાં ભારે ખુશીની લાગણી પ્રસરી ગઇ છે.
પેસેન્જરોની સુવિધા માટે એસટી નિગમ ઇન્ટર સ્ટેટ બસો દોડાવવાનું આયોજન કરી રહ્યું છે, તો સાથે સાથે નવી બસો પણ ખરીદી રહી છે. નવી બસો આવ્યા બાદ નવા રૂટ પણ ચાલુ કરવામાં આવશે તેવું નિગમના અત્યંત આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું. એસટી નિગમે અન્ય રાજ્યમાં આવેલાં પ્રવાસ સ્થળોની સાથે-સાથે ગુજરાતના વેપારનો વ્યાપ વધારવા માટે આ રૂટ પર બસ દોડાવવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે. જોકે આ બસ દોડાવવા માટે એસટી નિગમને સૌપ્રથમ અન્ય રાજ્યની એનઓસીની જરૂર રહેતી હોય છે, જે મેળવવા માટે નિગમ દ્વારા અધિકારીઓને દિલ્હી, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, ચંડીગઢ અને ગોવાની વિઝિટ કરવા જણાવાયું હતું. એનઓસી મળ્યા બાદ એસટી નિગમ દ્વારા અમદાવાદ, વડોદરા અને સુરતથી ગોવાની બસ શરૂ કરવામાં આવશે. અમદાવાદથી દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા અને ચંડીગઢની બસ દોડાવાશે તેવું પ્રાથમિક તબક્કે નક્કી કરાયું છે. જો બસને વધુ ટ્રાફિક મળશે તો આ બસો વડોદરા કે સુરતથી પણ ચાલુ કરાશે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા અને ચંડીગઢના પેસેન્જરો વધુ મળશે તો જ આ વ્યવસ્થા અન્ય સ્થળેથી શરૂ કરાશે.
એસટી નિગમ પેસેન્જરોની સુવિધા માટે પોતાની બસો વધારી રહ્યું છે, જેમાં રાજ્યમાં ર,૧૬૦ નવી બસો રોડ ઉપર ઊતરશે એટલે કે પેસેન્જરોને ર,૧૬૦ નવી બસોમાં પ્રવાસની તકો મળશે. અમદાવાદને ૩૦૦થી ૩પ૦ નવી બસો મળે તેવું નિગમનાં સૂત્રો દ્વારા જાણવા મળે છે. હાલમાં અમદાવાદથી ગુજરાતભરમાં દોડતી ૧રપ જેટલી બસો નકામી બની છે એટલે કે તેના કિલોમીટર પૂરા થઈ ગયા છે, જેથી આ બસને દૂર કરીને નવી બસો લાવવામાં આવી રહી છે. નવી બસ આવ્યા બાદ નવા રૂટ પણ શરૂ કરવામાં આવશે. અન્ય રાજ્યનાં પ્રવાસ સ્થળો જોડાશે અને વેપાર વધશે. જા કે, રાજયના પ્રજજનો ખાસ કરીને પ્રવાસીઓને હવે સીધા જ અમદાવાદથી ગોવા, હરિદ્વાર, દિલ્હી, ચંદીગઢ સહિતના સ્થળોએ જવાની સુવિધા પ્રાપ્ય બનવાની નવી સેવાને લઇ ખુશીની લાગણી ફેલાઇ ગઇ છે.