ધોરણ-૧૦ બોર્ડનું રિઝલ્ટ ૨૧મીએ જાહેર કરી દેવાશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ : ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ  દ્વારા ધોરણ-૧૦નું પરિણામ આગામી તા.૨૧મી મેના રોજ જાહેર કરવામાં આવશે. તા.૨૧મી મે ના રોજ સવારે ૮-૦૦ વાગ્યાથી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ જીએસઇબી.ઓઆરજી પર પરિણામને જોઈ શકાશે. ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાંથી વિવિધ જેલોમાં બંધ ૮૯ કેદીઓએ સહિત ૧૧.૫૯ લાખ વિદ્યાર્થીઓએ ધોરણ ૧૦ની પરીક્ષા આપી હતી. ધોરણ-૧૦ના પરિણામને લઇ વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ, સહેજ ગભરાહટ સાથે ઉત્સુકતાની લાગણી છવાઇ છે. બોર્ડ દ્વારા માર્કશીટનું સવારે ૧૧ વાગ્યાથી બપોર બાદ ૪ વાગ્યા સુધી વિતરણ કરાશે.

ગાંધીનગરથી અધિકારીક રીતે શિક્ષણ મંત્રી સવારે ૯-૦૦ વાગ્યે પરિણામની જાહેરાત કરશે. રાજ્યના સૌથી વધુ પરીક્ષાર્થી સુરતના નોંધાયા હતા. આ વખતે ધોરણ-૧૦ની પરીક્ષામાં રાજ્યભરમાંથી ૧૧,૫૯,૭૬૨ વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓએ પરીક્ષા આપી હતી. જેમાં સૌથી વધુ પરીક્ષાર્થી ૯૮,૫૬૩ સુરતમાં હતા. જ્યારે સૌથી ઓછા ૧,૩૧૭ પરીક્ષાર્થી પરીક્ષા આપી હતી. તેમાં ૭,૦૫,૪૬૪ છોકરાઓ અને ૪,૫૪,૨૯૭ છોકરીઓ હતી. માર્કશીટનું વિતરણ પણ એ જ દિવસે કરી દેવાશે. ગુજરાત શિક્ષણ બોર્ડે અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, ધોરણ-૧૦ અને સંસ્કૃત પ્રથમાના માર્ચ-૨૦૧૯ના ઉમેદવારોની માર્કશીટનું વિતરણ જિલ્લા કક્ષાએ નિયત કરેલા વિતરણ સ્થળો પર કરવામાં આવશે.

તારીખ ૨૧ મે, ૨૦૧૯ને મંગળવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકથી ૪-૦૦ કલાક દરમિયાન તેનું વિતરણ કરાશે. રાજ્યની તમામ માધ્યમિક શાળાઓના આચાર્યએ પોતાની શાળાનું પરિણામ જવાબદાર કર્મચારીને મુખત્યાર પત્ર સાથે મોકલી મેળવી લેવાનું રહેશે. બોર્ડનું પરિણામ જાહેર થવાને લઇ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં અત્યારથી જ ભારે ઉત્સાહ, સહેજ ગભરાહટ અને ઉત્સુકતાની લાગણી છવાઇ છે.

Share This Article