કોલંબો : શ્રીલંકામાં હજુ પણ આતંકવાદી હુમલાનો ખતરો તોળાઈ રહ્યો છે. શ્રીલંકામાં વધુ એક આતંકવાદી હુમલાની ચેતવણી જારી કરવામાં આવી છે. લશ્કરી વર્દીમાં આતંકવાદીઓ આવીને હુમલાને અંજામ આપી શકે છે. ઇસ્ટરના દિવસે બોંબ બ્લાસ્ટને અંજામ આપ્યા બાદ ઇસ્લામિક સ્ટેટ અહીં વધુ રક્તપાત સર્જવા માટે તૈયાર છે. ત્રાસવાદીઓ સેનાની વર્દીમાં આવીને હુમલાને અંજામ આપી શકે છે. એમએસડીના પ્રમુખે કહ્યું છે કે, અહીં વધુ હુમલાઓનો ખતરો ટળ્યો નથી. હુમલાખોરો લશ્કરી યુનિફોર્મમાં સુરક્ષા દળોને થાપ આપીને હુમલાને અંજામ આપી શકે છે. નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ત્રાસવાદીઓ ગયા રવિવારના દિવસે વધુ પાંચ સ્થળોને ટાર્ગેટ બનાવવા માટે ઇચ્છુક હતા પરંતુ ખતરો ટળી ગયો હતો.
શ્રીલંકામાં હાલમાં જ કરવામાં આવેલા સિરિયલ બ્લાસ્ટની જવાબદારી ઇસ્લામિક સ્ટેટ દ્વારા લેવામાં આવી છે. શ્રીલંકાની ઓથોરિટી તોહિદ જમાત અને જમિયાતુલ મિલ્લાથુ ઇબ્રાહિમ નામના સંગઠનના સભ્યો હુમલામાં સામેલ હોવાનું જાણવા મળી રહ્યું છે. શ્રીલંકાની સરકારે બ્લાસ્ટ થયા બાદથી પ્રથમ વખત સંચારબંધીને ઉઠાવી લીધી છે પરંતુ પાટનગરમાં પોલીસ દ્વારા હજુ પણ વ્યાપક દરોડાનો દોર જારી છે. ભારતમાં પણ આઈએસ અને શ્રીલંકા હુમલાના કનેક્શનના સંદર્ભમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. એનઆઈએ દ્વારા રવિવારના દિવસે આઈએસ કાસરગોડ મોડ્યુઅલ મામલાની તપાસ વેળા કેરળમાં ત્રણ સ્થળો ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા. એનઆઈએ દ્વારા કહેવામાં આવ્યું છે કે, કાસરગોડમાં બે અને પાલક્કાડમાં એકની ધરપકડ કરવામાં આવી છે. દરોડા દરમિયાન શ્રીલંકામાં બ્લાસ્ટ સાથે સીધા સંબંધ ધરાવનાર આ શખ્સોની પુછફરછ કરવામાં આવી રહી છે.
આ પહેલા પણ કેરળના કનેક્શન આતંકવાદી સંબંધોમાં નિકળી ચુક્યા છે. કેરળના કેટલાક શખ્સો આતંકવાદી સંગઠન આઈએસથી પ્રભાવિત રહ્યા છે અને આઈએસમાં સામેલ થવા માટે ભારત છોડીને અફઘાનિસ્તાન અને અન્ય દેશોમાં પહોંચ્યા હતા. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ગઇકાલે દરોડાની કાર્યવાહી દરમિયાન મોબાઇલ ફોન, સિમકાર્ડ, મેમરીકાર્ડ, પેન ડ્રાઇવ, ઉર્દૂ અને મલિયાલમ ભાષામાં દસ્તાવેજા જપ્ત કરવામાં આવ્યા હતા. સાથે સાથે વિવાદાસ્પદ ઇસ્લામિક ધર્મગુરુ જાકીર નાયકના પુસ્તકો, ડીવીડી, ધાર્મિક ભાષણવાળા ડીવીડી પણ જપ્ત કરવામાં આવ્યા હતા. બીજી બાજુ શ્રીલંકામાં ત્રાસવાદી હુમલા બાદ ઉંડી તપાસનો દોર જારી રહ્યો છે. ત્રાસવાદી હુમલાને ટાળવા માટે શ્રીલંકામાં હવે નકાબ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કોઇ મહિલાઓ નકાબ પહેરી શકશે નહીં. જાહેર સ્થળો ઉપર પણ પહેરી શકાશે નહીં. શ્રીલંકાના પ્રમુખ મૈત્રીપાલા દ્વારા ઇમરજન્સી શક્તિઓનો પ્રયોગ કરીને આ નિયમો લાગૂ કર્યા છે. ઇસ્ટર પર્વના દિવસે શ્રીલંકામાં આઠથી વધુ બ્લાસ્ટ થયા હતા. શ્રીલંકાના ત્રણ ચર્ચ અને ત્રણ હોટલોને ટાર્ગેટ બનાવીને સિરિયલ બ્લાસ્ટ કરાયા હતા જેમાં ૩૨૫થી વધુ લોકોના મોત થયા હતા અને ૫૦૦ લોકો ઘાયલ થયા હતા.