શ્રીલંકાએ રવિવારે દુબઈમાં રમાયેલા એશિયા કપના ફાઈનલ મુકાબલામાં પાકિસ્તાનને ૨૩ રને ધોબી પછડાટ આપી હતી. આ સાથે જ શ્રીલંકાએ ત્રીજી વખત એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાન સામે વિજય મેળવ્યો હતો. શ્રીલંકાનો પાકિસ્તાનના બોલિંગ આક્રમણ સામે પ્રારંભિક ધબડકો જોવા મળ્યો હતો પરંતુ રાજપક્ષેની લડાયક ૭૧ રનની ઈનિંગની મદદથી નિર્ધારિત ઓવરમાં છ વિકેટે ૧૭૦ રન ફટકાર્યા હતા. જવાબમાં પાકિસ્તાનની સમગ્ર ટીમ ૨૦ ઓવરમાં ૧૪૭ રનમાં ઓલ આઉટ થઈ જતા શ્રીલંકાએ છઠ્ઠી વખત એશિયા કપનો ખિતાબ જીત્યો હતો. શ્રીલંકાએ ફાઈનલમાં ગજબની બોલિંગ અને ફિલ્ડિંગનો પરચો આપ્યો હતો.
આ પૂર્વે શ્રીલંકા અને પાકિસ્તાન ત્રણ વખત એશિયા કપની ફાઈનલમાં આમને-સામને થયા હતા જેમાં શ્રીલંકા બે વખત જ્યારે પાકિસ્તાન એક વખત જીત મેળવવામાં સફળ રહ્યું હતું. ૧૭૧ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમે શરૂઆતમાં બાબર આઝમ (૫) અને ફખર ઝમાન (શૂન્ય)ની વહેલી વિકેટ ગુમાવી હતી. ઓપનર મોહમ્મદ રિઝવાને ૫૫ રનની મહત્વની ઈનિંગ રમી હતી. તેણે ઈફ્તિખાર અહેમદ (૩૨) સાથે ૭૧ રનની ત્રીજી વિકેટ માટે ભાગીદારી નોંધાવી હતી. રિઝવાને છગ્ગા સાથે અડધી સદી ફટકારતા પાકિસ્તાન માટે જીતની આશા જણાતી હતી પરંતુ હસારંગાએ તેના પર ઠંડુ પાણી રેડી દીધું હતું. હરિફ રઉફે નવમાં ક્રમે બેટિંગમાં આવતા ૧૩ રનનું યોગદાન આપ્યું હતું પરંતુ પાકિસ્તાને નિયમિત અંતરે વિકેટો ગુમાવતા તેના પર છેલ્લી ઓવરમાં દબાણ ઉભું થયું હતું. લિયાનાગામાગેએ ચાર વિકેટ ઝડપી હતી જ્યારે હસારંગાએ ૧૭મી ઓવરમાં તરખાટ મચાવતા રિઝવાન, આસિફ (શૂન્ય) અને ખુશદિલ (૨) એમ ત્રણ વિકેટ ઝડપીને પાકિસ્તાનની કરોડરજ્જૂ ભાંગી નાંખી હતી. હસારંગાની ઓવર મેચમાં મહત્વનો વળાંક લાવનાર સાબિત થઈ હતી. પાકિસ્તાનને અંતિમ ઓવરમાં જીત માટે ૩૨ રનની જરૂર હતી અને નવ બેટ્સમેન પેવેલિયન પરત ફરતા તે અશક્ય લાગી રહ્યું હતું. કરૂણારત્નેએ અંતિમ બોલ પર રઉફને બોલ્ડ કરતા એશિયા કપમાં શ્રીલંકાનો ભવ્ય વિજય થયો હતો.
બાબર આઝમે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ લીધી હતી. પાકિસ્તાનના બોલર્સના આક્રમણ સામે શ્રીલંકાના ટોચના બેટ્સમેનો ટકી શક્યા નહતા. નિસંકા (૮), મેન્ડિસ (શૂન્ય), ગુણતિલકા (૧), શનાકા (૨) રન કરી આઉટ થયા હતા. એક તબક્કે શ્રીલંકાએ ૫૮ રનમાં પાંચ વિકેટ ગુમાવી હતી. ધનંજયે ૨૧ બોલમાં ૨૮ રન કર્યા હતા. ભાનુકા રાજપક્ષેએ ફાઈનલમાં પોતાનું ફોર્મ બતાવતા ૪૫ બોલમાં અણનમ ૭૧ રન કર્યા હતા જેમાં છ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. તેણે હસારંગા (૫૮) સાથે છઠ્ઠી વિકેટ માટે ૫૮ રનની ભાગીદારી કરી હતી. પાકિસ્તાન તરફથી રઉફે ત્રણ વિકેટ તથા નસીમ, શાદાબ અને ઈફ્તિખારે એક-એક વિકેટ મેળવી હતી. પાકિસ્તાનની ટીમનો એશિયા કપની ફાઈનલમાં શ્રીલંકા સામે ૨૩ રને પરાજય થયો હતો. પાકિસ્તાનના ઓપનર મોહમ્મદ રિઝવાને ૫૫ રનની ઈનિંગ રમતા તે ટીમને જીત તરફ દોરી જશે તેવી અપેક્ષા હતી પરંતુ પાકિસ્તાનની ટીમે ફક્ત ૪૫ રનમાં જ છેલ્લી છ વિકેટો ગુમાવતા તેનો રકાસ જોવા મળ્યો હતો. પાકિસ્તાનને ચાર વિકેટે ૧૦૨ રન કર્યા હતા જ્યારે સમગ્ર ટીમ ૧૪૭ રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી.