હેમિલ્ટન : હેમિલ્ટનના મેદાન પર આજે રમાયેલી શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચમાં ન્યુઝીલેન્ડના બેટ્સમેનોએ પંડ્યા બંધુઓને મેદાનની ચારેબાજુ ફટકાર્યા હતા. પંડ્યા બંધુઓએ આઠ ઓવરમાં જ ૯૮ રન આપી દેતા સોશિયલ મીડિયા પર આની જારદાર ચર્ચા રહી હતી. સોશિયલ મીડિયા પર ચાહકોએ નારાજગી વ્યક્ત કરી હતી. પંડ્યા બંધુઓની કંગાળ બોલીંગના લીધે જ ન્યૂઝીલેન્ડે આ મેચમાં જંગી જુમલો ખડકી લીધો હતો. આખરે આ મેચમાં ભારતીય ટીમની હાર થઈ હતી. હાર્દિક પંડ્યા અને તેના ભાઈ કૃણાલ પંડ્યાએ આઠ ઓવરમાં ૪૮ બોલમાં ૯૮ રન આપ્યા હતા. ઈન્ડિયન પ્રિમિયર લીગમાં રોહિત શર્માના નેતૃત્વમાં મુંબઈ ઈન્ડિયન્સના આ બંને ખેલાડીઓના ફ્લોપ શોના લીધે ન્યુઝીલેન્ડના બેટ્સમેનો છવાઈ ગયા હતા.
પૂર્વ ભારતીય ખેલાડી અને કોમેન્ટેટર સંજય માંજરેકરે પણ આની ટીકા કરી હતી. ટ્વીટર ઉપર સંજય માંજરેકરે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે વહેલીતકે જ આ અંગેની ચાહકોને જાણ થઈ ગઈ છે કે પંડ્યા બંધુ માત્ર બે ઓવરના બોલર છે. કોઈ સારા દિવસે જ ઈન્ટરનેશનલ ટી-૨૦માં કૃણાલ ચાર ઓવર બોલીંગ ફેંકી શકે છે. આજે રમાયેલી મેચમાં પણ બંને બંધુઓએ જંગી રન આપ્યા હતા. સમગ્ર શ્રેણી ઉપર નજર કરવામાં આવે તો પણ પંડ્યા બંધુઓએ વરસાદ રનનો કરાવ્યો છે. હરીફ ટીમને ફાયદો થયો છે. એકબાજુ હાર્દિકે ત્રણ મેચોમાં ૧૨ ઓવર બોલીંગ કરીને ૧૩૧ રન આપ્યા છે અને ત્રણ વિકેટ ઝડપી છે. જ્યારે બીજી બાજુ કૃણાલ પંડ્યાએ ૧૨ ઓવરમાં ૧૧૯ રન આપીને ચાર વિકેટ ઝડપી છે. તેમના પ્રદર્શનને જાઈને ચાહકો નારાજ દેખાઈ રહ્યા છે.
સમગ્ર શ્રેણીમાં પંડ્યા બંધુઓએ ૨૪ ઓવરમાં ૨૫૦ રન આપીને સાત વિકેટ ઝડપી છે. બીજી મેચમાં કૃણાલે ૨૮ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી અને મેન ઓફ દ મેચ રહ્યો હતો પરંતુ આજે ફરી એકવાર તેનો ફ્લોપ શો રહ્યો હતો. પંડ્યા બંધુઓના બોલીંગમાં કંગાળ દેખાવથી ભારતીય ટીમની આજે હાર થઈ હતી.