કેરળના દરિયાકાંઠેથી થોડે દૂર, સમુદ્રની મધ્યમાં આવેલા લક્ષદ્વીપ એ ભારતનો કેન્દ્રશાસિત પ્રદેશ છે. તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી અને ત્યાંના દરિયાકિનારા સાથે સંબંધિત વીડિયો અને ફોટા શેર કર્યા હતા. ત્યારથી લક્ષદ્વીપ સતત ચર્ચાના કેન્દ્રમાં છે. હાલમાં લક્ષદ્વીપ પહોંચવાનું કામ થોડું જટિલ છે, કારણ કે અહીં પહોંચવાના વિકલ્પો મર્યાદિત છે, પરંતુ પીએમ મોદીની મુલાકાત બાદ ઘણું બધું બદલાવા લાગ્યું છે. હવે બજેટ એરલાઇન સ્પાઇસજેટે ટૂંક સમયમાં અહીંથી નવી ફ્લાઇટ સેવા શરૂ કરવાનો પ્રયાસ કર્યો છે. સ્પાઇસજેટના વડા અજય સિંહનું કહેવું છે કે કંપની લક્ષદ્વીપની સાથે સાથે અયોધ્યા માટે નવી ફ્લાઇટ સેવા શરૂ કરશે. કટોકટીગ્રસ્ત સ્પાઇસજેટને તાજેતરમાં કંપનીના બોર્ડ પાસેથી નવું ભંડોળ એકત્ર કરવાની પરવાનગી મળી છે. આ પછી, કંપનીએ લક્ષદ્વીપ અને અયોધ્યા માટે વહેલી તકે તેની સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે. પીએમની મુલાકાત બાદ ટાટા ગ્રુપે લક્ષદ્વીપમાં ૨ નવી હોટલ ખોલવાની પણ જાહેરાત કરી છે.
અજય સિંહે કહ્યું કે સ્પાઈસ જેટ પાસે લક્ષદ્વીપ માટે ફ્લાઈટ સેવા શરૂ કરવાના વિશિષ્ટ અધિકારો છે. કંપનીએ આને કેન્દ્ર સરકારની પ્રાદેશિક કનેક્ટિવિટી સ્કીમ ‘ઉડાન’ હેઠળ હસ્તગત કરી હતી. હવે કંપની લક્ષદ્વીપ માટે વહેલી તકે નવી સેવા શરૂ કરશે. લક્ષદ્વીપ સાથે કનેક્ટિવિટી વધારવાનો કંપનીનો ર્નિણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે ભારત અને માલદીવ વચ્ચે તણાવ છે. લક્ષદ્વીપને માલદીવનો વિકલ્પ માનવામાં આવી રહ્યો છે. અજય સિંહે કહ્યું કે તેઓ એરલાઇનના વિસ્તરણ પર ટૂંક સમયમાં જ એકત્ર કરવામાં આવનાર રૂ. ૨૨૫૦ કરોડના ફંડનો મોટો હિસ્સો રોકાણ કરશે. કંપનીના લગભગ ૨૬ એરક્રાફ્ટ હાલમાં સર્વિસ આઉટ છે. સ્પાઈસ જેટ માત્ર ૩૯ એરક્રાફ્ટ સાથે તેની સર્વિસ ચલાવી રહી છે. આ સાથે કંપનીએ અયોધ્યા માટે ફ્લાઈટ શરૂ કરવાની પણ વાત કરી છે. અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન બાદ પર્યટન ઝડપથી વધવાની આશા છે. સરકારે હાલમાં જ અહીં મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું છે. હાલમાં માત્ર એર ઈન્ડિયા અને ઈન્ડિગો જ અયોધ્યાથી ફ્લાઈટ સેવાઓ પૂરી પાડી રહી છે.