વાયબ્રન્ટ સમિટ મુદ્દે પોલીસના ૧૫૦૦ જવાનને ખાસ તાલીમ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ : ગાંધીનગરમાં આગામી તા.૧૮, ૧૯ અને ર૦મીએ યોજાનારી ગ્લોબલ વાયબ્રન્ટ સમિટમાં દેશ અને વિદેશમાંથી મહાનુભાવો પધારવાના છે ત્યારે મહાત્મા મંદિર ખાતે બંદોબસ્તમાં રહેનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને શિસ્ત અને નમ્રતાના પાઠ ભણાવવામાં આવ્યા હતા. દેશ-વિદેશથી આવનારા મહાનુભાવો અને ડેલીગેટ્‌સ સાથે કેવી રીતે સૌહાર્દપૂર્ણ વર્તન કરવું તેની શીખ એક રીતે આજના કાર્યક્રમમાં અપાઇ હતી. નોંધનીય વાત એ છે કે, આ વખતના વાયબ્રન્ટ સમિટમાં મહાત્મા મંદિરમાં ફરજ બજાવનાર પોલીસ જવાનો એક્ઝિક્યુટીવ ડ્રેસમાં નજરે પડશે. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આગામી તા.૧૮, ૧૯ અને ર૦મીએ નવમી ગ્લોબલ વાયબ્રન્ટ સમિટ મળનાર છે.

આ સમિટમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશવિદેશમાંથી મહાનુભાવો પધારવાના છે. તેમની સુરક્ષાને લઈ પોલીસ દ્વારા અત્યારથી કસરત કરવામાં આવી રહી છે અને અન્ય જિલ્લામાંથી બંદોબસ્ત માટે પોલીસ અધિકારી જવાનો બોલાવવામાં આવ્યા છે. સમિટ વખતે પાટનગરમાં થ્રી લેયર સુરક્ષા ગોઠવાશે. તો રોડ બંદોબસ્તથી લઈ મહાત્મા મંદિરમાં પણ પોલીસ અધિકારી જવાનો ફરજ બજાવવાના છે ત્યારે આ પોલીસ જવાનોને કેવા પ્રકારે વર્તન કરવું અને ડેલીગેટ્‌સ સાથે કેવી રીતે વાત કરવી તે સંદર્ભે આજે મહાત્મા મંદિર ખાતે ખાસ સેમિનાર રાખવામાં આવ્યો હતો. જેમાં ૧પ૦૦થી વધુ અધિકારી-કર્મચારીઓ જવાનો ઉપસ્થિત રહયા હતા.

દેશ વિદેશમાંથી આવનાર મહાનુભાવોને પોલીસને કડવો અનુભવ ના થાય અને તેમની સાથે શિસ્તબધ્ધ રીતે વાર્તાલાપ થાય તે હેતુથી આ સેમિનારમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા પાઠ ભણાવવામાં આવ્યા હતા અને જરૂરી માર્ગદર્શન અને શીખ આપવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, મહાત્મા મંદિરમાં પોલીસ બંદોબસ્ત માટે અનુભવી અધિકારી જવાનોને જ રાખવામાં આવતાં હોય છે. આ પોલીસ જવાનો માટે અલગ એક્ઝિક્યુટીવ ડ્રેસ પણ રાખવામાં આવતો હોય છે. આગામી તા.૧૬ જાન્યુઆરીથી શહેરમાં પાંચ હજારથી વધુ પોલીસ જવાનોને બંદોબસ્ત ફાળવી દેવામાં આવશે. જેથી પોલીસ જવાનો અત્યારથી જ સુરક્ષાનું રિહર્સલ કરવામાં જાતરાયા છે.

 

Share This Article