રાષ્ટ્રના વિકાસ અને પ્રગતિમાં કૃષિ અને તેના સંબધિત ક્ષેત્રોનો વિશેષ ફાળો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

રાજ્યના તમામ તાલુકાઓમાં કિસાન કલ્યાણ મહોત્સવ યોજાઇ રહ્યો છે. મહેસાણા જિલ્લો કૃષિ ઉત્પાદમાં મોખરે રહ્યો છે. જિલ્લામાં જીરૂ, વરીયાળી જેવા મસાલા પાકોમાં મોખરાનું સ્થાન ધરાવે છે. મહેસાણા જિલ્લાના ખેડુતો ડ્રીપ ઇરીગેશન-ટપક સિંચાઇ પદ્ધતિ વધુ અપનાવે તે આજના સમયની માંગ છે, તેમ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું.

મહેસાણા જિલ્લાના કિસાન કલ્યાણ મહોત્સવને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે ખુલ્લો મૂકતાં કહ્યું કે, રાજ્યના ખેડુતોની આવક વર્ષ ૨૦૨૨ સુધીમાં ડબલ કરવાના હેતુસર રાજ્ય સરકાર આયોજીત આ કિસાન કલ્યાણ મહોત્સવમાં આધુનિક કૃષિ સહિત પશુપાલન સંબધિત માહિતી ખેડૂતો-પશુપાલકો મેળવીને સમૃદ્ધ ખેતી કરે એ જરૂરી છે.

નાયબ મુખ્યમત્રી નીતિનભાઇ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારનો અભિગમ ગામડા, ખેડુતો અને ગરીબોને મદદરૂપ થવાનો છે. ગોડાઉન, ટપક સિંચાઇ પ્રદ્ધતિ, તબેલા સહિતની વિવિધ ખેતીલક્ષી યોજનાઓના લાભ રાજ્ય સરકાર આપી રહી છે. સરકારે ટેકાના ભાવે મગફળી, અડદ, તુવેર હજાર ટન રાયડાની પ્રથમ તબક્કાની ખરીદી માટે મંજુરી, હજાર ટન ચણા સહિતની વિવિધ પાકોની ખરીદી પણ રાજ્ય સરકાર દ્વારા કરાઇ રહી છે.

નાયબ મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના મહાઅભિયાન જળસંચયની માહિતી આપતાં આપતાં કહ્યું કે,  ૩૧ મે સધી ચાલનારા આ અભિયાનમાં ખેડૂતો-નગરિકો જોતરાશે તો તેના પરિણામે મોટા પ્રમાણમાં જળસંચય થશે જેનો સીધો ફાયદો ખેડુતોને મળવાનો છે.

સાંસદ જયશ્રીબહેન પટેલે જણાવ્યું હતું કે છેલ્લા ઘણાં વર્ષોથી યોજાઇ રહેલા કૃષિ મહોત્સવથી ખેડુતોના જીવનમાં આમુલ પરિવર્તન આવ્યું છે. ખેડુતો ખેતીમાં વૈવિધ્યતા લાવી ખેડુતોની ઉન્નતી થઇ છે. રાષ્ટ્રની ચોથા ભાગની આવક કૃષિ અને સંબધિત ક્ષેત્રોમાંથી થાય છે. સરકારના પ્રયત્નો હમેશાં કૃષિલક્ષી રહ્યા છે.

નાયબ મુખ્યમંત્રી તેમજ મહાનુંભાવો દ્વારા પ્રગતિશીલ ખેડુતોનું સન્માન તેમજ પથદર્શિકા પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. મહાનુભાવોએ કૃષિ સંબધિત સ્ટોલની મુલાકાત લઇ વિવિધ સુચનો કર્યા હતા. મહોત્સવમાં ખેડુતોની આવક બમણી કરવા અંગે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન, વિવિધ વિભાગોની સહાયલક્ષી માહિતી, આઇ-ખેડુત પોર્ટલ સંબધિત માહિતી, પ્રગતિશીલ ખેડુતોનું સન્માન, પશુપાલન સહિત કૃષિ સંબધિત ક્ષેત્રોના વ્યવસાયોની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પ્રગતિશીલ ખેડુતો દ્વારા થયેલ કામોની માહિતી અન્ય ખેડુતો સમક્ષ મુકી જિલ્લાના ખેડુતોને પ્રોત્સાહિત કર્યા હતા.

Share This Article