કિડની કામ ન કરતી હોય તેવા સંજોગોમાં ડાયાલિસીસ એ જીવનપર્યંત ચાલતી સારવાર છે. જેમાં દર્દીએ વારંવાર ડાયાલિસીસ માટે હોસ્પિટલ આવવું પડતું હોય છે. ડાયાલિસીસના દર્દીઓના જીવનમાં આનંદના રંગ પૂરવા જીસીએસ હોસ્પિટલ દ્વારા 24 ફેબ્રુઆરીના રોજ ખાસ જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં 25થી વધારે દર્દીઓ અને તેમના સગાઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં દર્દીઓને પ્રોત્સાહિત કરે એવા મનોરંજક વિડિયો દેખાડવામાં આવ્યા હતા.
કિડની રોગોના નિષ્ણાત નેફ્રોલોજીસ્ટસ ડો.સૌરીન દલાલ અને ડો. મહેન્દ્ર મુલાણી દ્વારા દર્દીઓને ડાયાલીસીસ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ડાયેટિશિયન નઝરીન શેખ દ્વારા ડાયાલિસીસના દર્દીઓ માટે ડાયેટ અને ખોરાક વિષે સલાહ-સૂચન આપવામાં આવ્યું હતું જેમાં દર્દીના પ્રશ્નો જેવા કે શું ના ખાઈ શકાય? અને સુગર ઘટી જાય ત્યારે શું પગલાં લેવા જોઈએ વગેરે પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. જીસીએસ હોસ્પિટલ એ NABH-સ્વીકૃત 1000-બેડની મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ છે. જ્યાં 7 બેડના ડાયાલિસીસ યુનિટમાં આયુષ્માન ભારત યોજના હેઠળ નિઃશુલ્ક ડાયાલીસીસ સુવિધા ઉપલબ્ધ છે. શ્રેષ્ઠ તબીબી કુશળતા, અલ્ટ્રા-મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રકચર અને સુવિધાઓ તેમજ સમાજ સેવાના ઉદ્દેશ સાથે, જીસીએસ હોસ્પિટલ આજે સમાજના તમામ પ્રકારના લોકોને નજીવા દરે નિદાનથી લઇ સારવાર આપવા કાર્યરત છે.