સૂરતઃ સુરતના ઓલપાડ તાલુકામાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા અનરાધાર વરસાદથી તાલુકાના મુખ્ય મથક તથા ગ્રામ્ય વિસ્તારના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાથી સાવચેતીના પગલારૂપે અસરગ્રસ્ત પરિવારોને હંગામી ધોરણે સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તંત્ર દ્વારા ૪૯૬ અસરગ્રસ્તોને ઓલપાડ સ્થિત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, મુખ્ય પ્રાથમિક શાળા તથા અસરગ્રસ્ત ગામની પ્રાથમિક શાળા તથા કોમ્યુનિટી હોલ ખાતે સ્થળાંતરિત કરાયા છે. તમામ અસરગ્રસ્ત લોકો માટે ફૂડ પેકેટની વ્યવસ્થા પણ કરાઈ છે.
સુરત જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત વરસાદી માહોલના કારણે જિલ્લા વહીવટીતંત્ર સતર્ક બન્યું છે. જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં રહેતાં લોકોને સાવચેત રહેવા સાથે જરૂરિયાત જણાય તો અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક ધોરણે સલામત જગ્યાએ સ્થળાંતર કરાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે.