કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને દિલ્હીના સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને થોડા દિવસો પહેલા કોરોના થયો હતો. આ વાતની જાણકારી કોંગ્રેસ નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ આપી છે. તેમના મતે સોનિયા ગાંધીની હાલત સ્થિર છે અને તેમને હોસ્પિટલમાં દેખરેખ માટે રાખવામાં આવ્યા છે. અત્યાર સુધી બે વખત તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તે છેલ્લા ૧૦ દિવસોથી બીમાર છે. તેમને ૨ જૂનના રોજ કોરોના થયો હતો.
સોનિયા ગાંધીને ૨ જૂનના રોજ કોરોના થયો હતો ત્યારે પણ સુરજેવાલાએ ટિ્વટ કરીને માહિતી આપી હતી. કોરોના સંક્રમિત થયા પછી તેમને હળવો તાવ છે સાથે તેમાં કોરોનાના કેટલાક બીજા પણ લક્ષણો હતા. આ પછી તેમણે પોતાને આઇસોલેટ કરી લીધા હતા અને ડોક્ટરોની દેખરેખમાં તેમની સારવાર ચાલી રહી હતી. દેશમાં કોરોના વાયરસના કેસ વધતા કોંગ્રેસના અન્ય નેતા પણ સંક્રમણની ચપેટમાં આવ્યા હતા. કોંગ્રેસના મહાસચિવ વેણુગોપાલ સિવાય પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. પ્રિયંકા ગાંધીએ ટિ્વટ કરીને આ જાણકારી આપી હતી. પ્રિયંકાને સંક્રમણના હળવા લક્ષણો હતા. તેમણે પોતાને ઘરમાં આઇસોલેટ કરી લીધા હતા.
ગત દિવસોમાં ઇડીએ સોનિયા ગાંધીને નેશનલ હેરાલ્ડ કેસ સંબંધિત મની લોન્ડ્રીંગ મામલામાં ૨૩ જૂને પૂછપરછ માટે હાજર થવા કહ્યું છે. આ પહેલા ૮ જૂને હાજર થવાનું હતું પણ કોરોના વાયરસથી સંક્રમિત હોવાથી હાજર થવા માટે ઇડી પાસે નવી તારીખ માંગી હતી.