ઉત્સવોની હારમાળાની શરૂઆત કરતા પવિત્ર શ્રાવણ મહિનામાં શિવ ઉપાસકો ભગવાન શિવની ઉપાસનામાં લીન થઈ જાય છે. શિવમંદિરો ભગવાન શંકરના દર્શન કરવા આવતા શિવભક્તો દ્વારા ગવાતા પાવન શ્લોકો અને મંત્રોચ્ચારોથી સૂરમય બની જાય છે. આવા ભક્તિમય મહિનામાં આવો કરીએ વાત અમદાવાદ સ્થિત એક એવા અદ્દભુત શિવાલયની, જેનું શિવલિંગ સ્વયંભુ છે અને મંદિરની આસપાસની ઉર્જા કોઈ જ્યોતિર્લિંગ સમાન હોવાની અનુભૂતિ થાય છે.
અમદાવાદના ઈતિહાસ વિષે લખવામાં આવે ત્યારે એની સ્થાપના વિષે ’ઇ.સ. ૧૪૧૧ માં અહેમદશાહે અમદાવાદની સ્થાપના કરી’ એવું લખાય. વાસ્તવમાં એ તો માત્ર એનું નવું નામકરણ ગણાય. આ શહેર પાસે એ પહેલાનો હજારો વર્ષો જૂનો પોતાનો આગવો વારસો છે. એનો અડીખમ પુરાવો છે હઠીસિંઘનું દેરાસર, અમદાવાદના કુળદેવી તરીકે પ્રસિદ્ધ મા ભદ્રકાળીનું મંદિર, રાયપુર દરવાજા પાસે આવેલું કર્ણમુક્તેશ્વર મહાદેવનું મંદિર, અંદાજે બે હજાર વર્ષ જૂનું વાસણિયા મહાદેવનું મંદિર વગેરે જેવા અહીંનાં પ્રાચીન મંદિરો! આવું જ એક મંદિર છે શહેરના ગ્યાસપુર પાટિયા પાસે શાસ્ત્રી બ્રિજ ઊતરતાં ડાબા હાથ તરફ આવેલું સોમનાથ મહાદેવનું મંદિર.
આશરે એકહજાર વર્ષ જૂના આ મંદિર સાથે જોડાયેલી લોકવાયકા મુજબ અમદાવાદ પાસેના ઓગણજ ગામના પટેલોએ બાર જ્યોતિર્લિંગોમાંના એક સૌરાષ્ટ્રમાં વેરાવળ નજીક આવેલા સોમનાથથી અખંડ જ્યોત લાવીને અહીં સ્થાપના કરી હતી. સોમનાથ જ્યોતિર્લિંગ સાથે જોડતી આ કડીને લીધે આ મંદિરનું નામ પણ સોમનાથ તરીકે પ્રસિદ્ધ થયું. અહીં આજે પણ અખંડ જ્યોત પ્રજવલ્લિત છે. આ કલ્યાણકારી ભૂમિ પર નિયમિત રીતે એક લઘુરુદ્ર થાય છે. શિવભક્તો અહીં આવીને હોમ, હવન, યજ્ઞયાગ ઇત્યાદિ ધાર્મિક કાર્યો કરે છે. ખાસ કરીને શ્રાવણ માસના સોમવારે હજારો ભાવિકો અહીં દર્શનાર્થે આવે છે. ભક્તો અહીં પોતાની આસ્થા મુજબ દૂર-દૂરથી ચાલીને પણ આવતા જોવા મળે છે. વૃક્ષાચ્છાદિત એવા આ મંગળકારી મંદિરમાં શ્રાવણ મહિનામાં રોજ સવારે મહાપૂજા થાય છે. આ પવિત્ર માસના દર સોમવારે અને શિવરાત્રીએ સોમનાથ મહાદેવના આ પાવન પરિસરમાં મેળો ભરાય છે. અહીં આવનારા દરેક ભક્તોને સવારે ફળાહાર અને ચાનો પ્રસાદ અપાય છે. સંધ્યાકાળે મહાઆરતી બાદ મહાપ્રસાદ આપવામાં આવે છે. તદૂપરાંત શ્રાવણ મહિનાની અમાસના રોજ વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવે છે.