શ્રીનગર : જમ્મુ કાશ્મીરના પુલવામા ખાતે સીઆરપીએફના કાફલા પર હુમલો કરવામાં આવ્યા બાદ ભારતે જવાબી કાર્યવાહી રૂપે પાકિસ્તાનના બાલાકોટમાં હવાઇ હુમલા કરવામાં આવ્યા હતા. જેમાં પાકિસ્તાનમાં ત્રાસવાદીઓના કેમ્પ અને લોંચ પેડ ફુંકી મારવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં ટ્રેનરો, આત્મઘાતી હુમલાખોરો અને ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. પાકિસ્તાન પર હાલમાં આંતરરાષ્ટ્રીય દેશો તરફથી ત્રાસવાદીઓ સામે કાર્યવાહી કરવા માટે દબાણ હોવા છતાં કેટલાક વિસ્તારમાં ત્રાસવાદી કેમ્પ અને લોંચ પેડ જારી છે. પાકિસ્તાન હાલમાં મજબુર હોવા છતાં તેની ઉદાસીનતા દેખાઇ રહી છે.
હાલમાં એલઓસી પાર સાતથી વધુ ટ્રેનિંગ કેમ્પ ચાલી રહ્યા છે. લશ્કરે તોઇબા વૈશ્વિક આતંકવાદી સંગઠન તરીકે છે. ઓપરેશન ઓલઆઉટના કારણે ત્રાસવાદીઓની કમર તુટી ચુકી છે. મોટી સંખ્યામાં કુખ્યાત ત્રાસવાદી ઠાર મરાયા છે પરંતુ ત્રાસવાદીઓ તેમની હાજરી પુરવા કરવા માટે તૈયાર છે.આંકડા દર્શાવે છે ૨૦૧૭માં દુનિયાભરના જુદા જુદા ક્ષેત્રોમાંથી ૪૫૦થી વધુ યુવાનોની ભરતી કરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૮માં પણ ભરતીની પ્રક્રિયા ગુપ્ત રીતે ચાલી રહી હતી.
લશ્કરના ૨૦ વર્ષીય ત્રાસવાદી જ બુલ્લાહ ઉર્ફે હમઝાની એનઆઈએ દ્વારા પુછપરછ કરવામાં આવી છે. ગયા વર્ષે તેની સાતમી એપ્રિલના દિવસે કુપવારામાં ધરપકડ કરાઈ હતી. પોકમાં મુઝફ્ફરાબાદમાં સાત ટ્રેનિંગ કેમ્પ ચાલી રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં હાલમાં ઘુસણખોરીના પ્રયાસો પાકિસ્તાની ત્રાસવાદીઓએ વધારી દીધા છે જે સંકેત આપે છે કે, આગામી દિવસોમાં મોટા ત્રાસવાદી હુમલા થઇ શકે છે.
