નવાઝુદ્દીન-અવનીત કૌર સ્ટારર ફિલ્મ ટીકુ વેડ્‌સ શેરુનું ટ્રેલરના કેટલાક દ્રશ્યો હાલ ચર્ચામાં

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

નવાઝુદ્દીન સિદ્દીકી અને અવનીત કૌર સ્ટારર ફિલ્મ ટીકુ વેડ્‌સ શેરુનું ટ્રેલર તાજેતરમાં જ રિલીઝ થયું હતું. તેની ચર્ચા તરત જ સોશિયલ મીડિયા પર જોરશોરથી થઇ રહી છે. રોમાન્સ અને કોમેડીથી ભરપૂર આ ટ્રેલરના કેટલાક દ્રશ્યો હાલ ચર્ચામાં છે. આ મામલે એક કિસિંગ પણ એકદમ વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા બાદ લોકો બંનેને ઘણું સંભળાવી રહ્યા છે અને બંનેને ટ્રોલ કરી રહ્યા છે. ટીકુ વેડ્‌સ શેરૂની કહાની મુંબઇમાં એક સ્ટ્રગલિંગ એક્ટર શેરુની આસપાસ ફરે છે. તેનો પરિવાર તેના માટે દુલ્હન શોધી લાવે છે, ટીકુ (અવનીત) જે અભિનેત્રી બનવાનું સપનું જુએ છે. ભોપાલથી બહાર નીકળીને મુંબઈમાં બોલીવૂડમાં પગ જમાવવાના સપનાને પૂર્ણ કરવા માટે તે લગ્ન માટે હા પાડે છે. બંને લગ્ન કરી લે છે અને તે પછી ફિલ્મની અસલી કહાની શરૂ થઈ જાય છે. જો કે ટ્રેલરમાં નવાઝુદ્દીન અને અવનીતના લિપ-લોક સીનથી હંગામો મચી ગયો છે. એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું કે, અવનીત નવાઝથી ૨૮ વર્ષ નાની છે, તે તેની દિકરીની ઉંમરની છે. આ લોકોને જરા પણ શરમ નથી આવતી શું? તો અન્ય એક યુઝરે કમેન્ટ કરી કે, ખબર નહીં શું વિચારીને નવાઝુદ્દીન અને અવનીતને એક સાથે ફિલ્મમાં કાસ્ટ કરવામાં આવ્યા છે. આપને જણાવી દઇએ કે, બંને સ્ટાર્સ વચ્ચે ૨૮ વર્ષ જેટલો મોટો ઉંમરનો તફાવત છે, જેના કારણે નેટિઝન્સે તેમને ટ્રોલ કર્યા છે.

નવાઝુદ્દીન ૪૯ વર્ષનો છે, તો અવનીત કૌર ગત વર્ષે ઓક્ટોબરમાં ૨૧ વર્ષની થઇ ગઇ હતી. એક યુઝરે લખ્યું, ‘આ ખૂબ જ ખરાબ બાબત છે, અવનીત કદાચ ૨૦ વર્ષની હતી, જ્યારે આ ફિલ્મનું શૂટિંગ શરૂ થયું હતું, ત્યારે ટ્રેલરમાં પણ તેનો લૂક ખૂબ જ બોલ્ડ દેખાડવામાં આવ્યો છે. બંનેની કેમેસ્ટ્રી ફેન્સને જરા પણ પસંદ નથી આવી. કંગના રનૌતે આ ફિલ્મને પ્રોડ્યૂસ કરી છે. તેથી આ ફિલ્મમાં નવાઝુદ્દીન અને અવનીતને એક સાથે લેવા માટે લોકોએ કંગનાને પણ ખૂબ જ ટ્રોલ કરી છે. આપને જણાવી દઇએ કે, મણિકર્ણિકા ફિલ્મ્સની આ પહેલી ફિલ્મ છે. સાથે જ સાઈ કબીરે આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે. આ ફિલ્મમાં વિપિન શર્મા અને ઝાકિર હુસૈન પણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ ૨૩ જૂનથી પ્રાઇમ વિડિઓ પર સ્ટ્રીમ થશે. આ ફિલ્મ અવનીતની ડેબ્યૂ ફિલ્મ પણ છે.

Share This Article