નવીદિલ્હી : મોદી કેબિનેટે ‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વમાં બનેલી સમિતિએ આ અંગે પોતાનો રિપોર્ટ રાષ્ટ્રપતિને સોંપ્યો હતો. આ સમિતિએ બે તબક્કામાં એક સાથે ચૂંટણી યોજવાનું સૂચન કર્યું છે. કેબિનેટે બુધવારે સમિતિના આ અહેવાલનો સ્વીકાર કર્યો હતો. ‘વન નેશન-વન ઈલેક્શન’ના મુદ્દે ઘણા વિપક્ષી નેતાઓએ કહ્યું કે તે વ્યવહારુ નથી. તો કેટલાક આગેવાનોએ આ અંગે હકારાત્મક વલણ અપનાવ્યું છે. કેબિનેટની મંજૂરી મળ્યા બાદ કોંગ્રેસ સહિત ઘણી પાર્ટીઓ તેનો વિરોધ કરી રહી છે. તેના પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે દેશની જનતા આને સ્વીકારશે નહીં. તેઓ માત્ર ચૂંટણી માટે મુદ્દાઓ બનાવીને લોકોને ડાયવર્ટ કરે છે. ‘વન નેશન-વન ઇલેક્શન’ વ્યવહારુ નથી.
આના પર ઓવૈસીએ કહ્યું કે તેઓ સતત તેનો વિરોધ કરે છે, કારણ કે તે દેશના સંઘવાદને નષ્ટ કરે છે અને લોકશાહી સાથે સમાધાન કરે છે. આ સાથે તેમણે કહ્યું કે બહુવિધ ચૂંટણીઓ મોદી અને શાહ સિવાય કોઈ માટે સમસ્યા નથી. તેઓ આ એટલા માટે કરી રહ્યા છે કારણ કે તેમને મ્યુનિસિપલ અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓમાં પણ પ્રચાર કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે નિયમિત રીતે અને સમયાંતરે ચૂંટણી યોજવાથી લોકતાંત્રિક જવાબદારી પણ સુધરે છે. આ મુદ્દે બીએસપી સુપ્રીમો માયાવતીએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને ‘એક દેશ એક ચૂંટણી’ની સિસ્ટમ પર પોતાનું સકારાત્મક વલણ અપનાવ્યું છે. તેમણે લખ્યું કે દેશમાં લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી એક સાથે કરાવવાના પ્રસ્તાવને આજે કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ અંગે અમારી પાર્ટીનું વલણ સકારાત્મક છે, પરંતુ તેનો ઉદ્દેશ્ય દેશ અને જનતાના હિતમાં હોવો જોઈએ.