કેટલાક દેશો આતંકવાદને આપી રહ્યા છે પ્રોત્સાહન :PM મોદી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

PM નરેન્દ્ર મોદીએ SCO સમિટમાં પાકિસ્તાન પર નિશાન સાધ્યું છે. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે કેટલાક દેશો આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યા છે. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, કેટલાક એવા દેશો છે જે આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યા છે. સાથે જ આ દેશ આતંકવાદીઓને આશ્રય પણ આપી રહ્યા છે. દુનિયા માટે આતંકવાદ એક મોટો ખતરો છે. આ પડકારને પહોંચી વળવા માટે આપણે બધાએ સાથે મળીને લડવું પડશે. SCO એ આવી પ્રવૃત્તિઓ કરતા દેશોની ટીકા કરતા અચકાવું જોઈએ નહીં. આ પ્રકારના ગંભીર વિષય પર બેવડા માપદંડને કોઈ અવકાશ હોવો જોઈએ નહીં.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટમાં વર્ચ્યુઅલ રીતે ભાગ લીધો હતો અને SCO સમિટની અધ્યક્ષતા કરી હતી. આ સમિટમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફ સામેલ થયા હતા. પીએમ મોદીએ કહ્યું કે અમે અમારા પડોશીઓને એક પરિવાર તરીકે જોઈએ છીએ. સુરક્ષા, આર્થિક વિકાસ, કનેક્ટિવિટી, સાર્વભૌમત્વ અને ક્ષેત્રીય અખંડિતતા માટે આદર અને પર્યાવરણ સુરક્ષા એ SCO પ્રત્યેના અમારા અભિગમના આધારસ્તંભ છે.

વડાપ્રધાન મોદીએ આગળ કહ્યું કે, છેલ્લા ૨ દાયકામાં SCO સમગ્ર એશિયાઈ ક્ષેત્રમાં શાંતિ, સમૃદ્ધિ અને વિકાસ માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે. અમે અમારા પ્રયાસો બે મૂળભૂત સિદ્ધાંતો પર આધારિત કર્યા છે, પહેલું છે વસુધૈવ કુટુમ્બકમ અને બીજું સુરક્ષા. ભારતે આ અભિગમ સાથે SCOમાં સહયોગના ૫ નવા સ્તંભ બનાવ્યા છે. સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેશન, ટ્રેડિશનલ દવા, યુવા સશક્તિકરણ, ડિજિટલ સમાવેશ અને ઘણું બધું. પીએમ મોદીએ સમિટમાં પાકિસ્તાની પીએમ શાહબાઝ શરીફની હાજરીમાં આતંકવાદ પર વાત કરી હતી. તેમણે કહ્યું કે આતંકવાદ પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિ માટે ખતરો છે. આપણે સાથે મળીને આતંકવાદ સામે લડવાનું છે. પાકિસ્તાન પર નિશાન સાધતા કહ્યુ કે, કેટલાક દેશો સરહદ પારના આતંકવાદનો ઉપયોગ તેમની નીતિઓ તરીકે કરે છે.

Share This Article