શત્રુંડામાં સોલાર આધારિત વોટર પાવર ટ્રી સ્થાપિત થયુ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ :  ઓએનજીસીની અમદાવાદ એસેટ દ્વારા તેના કાર્યકારણના વિસ્તારમાં અને દાહોદ જિલ્લાનાં ગામોમાં સ્વચ્છ પીવાનું પાણી પૂરું પાડવાનાં સંખ્યાબંધ સીએસઆર પગલાંઓ લેવામાં આવ્યા છે. નાવિન્યપૂર્ણ અને ટકી શકે તેવું સોલ્યુશન પુરું પાડવાના ભાગરૂપે ખેડા જિલ્લાનાં ગામિજ વિસ્તારના શત્રુંડા ગામમાં વોટર પાવર ટ્રી સ્થાપિત કરવામાં આવ્યું હતું. વોટર પાવર ટ્રી સિસ્ટમ એવી પધ્ધતિ છે કે જે વૈકલ્પિક સૌર ઉર્જાનો ઉપયોગ કરીને દૂષિત પાણીને પીવા યોગ્ય શુધ્ધ અને ચોખ્ખા પાણીમાં રૂપાંતરિત કરે છે. ઓએનજીસીની આ ઉમદા પહેલ ખરેખર સમાજમાં અન્ય સંસ્થાઓ અને એકમોને પણ રચનાત્મક પ્રેરણા પૂરી પાડે છે.

અત્યાધુનિક અને સ્વનિર્ભર એવું વોટર પાવર ટ્રી શત્રુંડા ગામમાં ૪૦૦૦થી પણ વધુ લોકોને શુધ્ધ અને ચોખ્ખું પીવાનું પાણી પુરું પાડશે. સોલાર પાવર્ડ આરઓ સિસ્ટમ વોટર પાવર ટ્રીને અંતરિયાળ ભાગોમાં પાણીને શુધ્ધ કરવા વાપરી શકાય છે અને પરંપરાગત પાવર્ડ સિસ્ટમની સરખામણીમાં તેનો ખર્ચ નજીવો આવે છે. આ નાવિન્યપૂર્ણ પગલાંને ઈમેજિન પાવર ટ્રી પ્રા. લિ. (પીડીપીયુ આઈઆઈસીમાં સ્થાપિત સ્ટાર્ટઅપ) દ્વારા અમલી બનાવવામાં આવ્યું હતું.

ખેડાનાં શત્રુંડા ગામનાં લોકો ૧૬૦૦ ટીડીએસ જેટલું પાણી ઘણા વર્ષોથી અન્ય યોગ્ય વિકલ્પનાં અભાવે વાપરી રહ્યાં હતાં. જેનાથી તેમના સ્વાસ્થ્ય પર વિપરિત અસર જોવા મળતી હતી. વોટર પાવર ટ્રીને કારણે શત્રુંડા ગામનાં લોકોને ૪૦૦૦ લિટર જેટલું સ્વચ્છ અને સ્વનિર્ભર પીવાનું પાણી દરરોજ ઉપલબ્ધ બનશે, જે ૧૫૦ ટીડીએસ ધરાવે છે. પરિણામે ગામ લોકોનું સ્વાસ્થ્ય અને જીવનધોરણ સુધરશે.

Share This Article