સોશિયલ મીડિયા અને સ્માર્ટ ફોનનાં આગમન પછી એક નવી ક્રાંતિ આવી જેને આપણે સેલ્ફી ક્રાંતિ તરીકે ઓળખીએ છીએ. સેલ્ફી ક્રાંતિએ આપણને આપણાં ચહેરાનાં નવા નવા ફિચર્સથી વાકેફ કરાવ્યા. આપણે ક્યારેય એવુ વિચાર્યુ નહોતુ કે ચૂસેલા ગોટલા જેવા ફેસ કરીને (પાઉટ કરીને) પણ આપણે આટલા સુંદર લાગી શકીએ.
- આજ સુધી આપણે આપણાં મિત્રો સાથે કે યાદગાર પ્રસંગને હંમેશા જીવંત રાખવા માટે ફોટા પડાવતા હતા, પરંતુ સેલ્ફી ક્રાંતી પછી આપણે માર્કેટમાં અપડેટ રહેવા માટે કોઈ પણ વસ્તુની સાથે ફોટા પડાવીએ છીએ…જેમકે સેલ્ફી વીથ પિઝા, સેલ્ફી વિથ થાંભલો, સેલ્ફી વીથ ટેરેસ પ્લાન્ટ, સેલ્ફી વીથ કાઉ, ડોન્કી,બફેલો…..વગેરે વગેરે…
- દિશા વ્રતની પૂજા કરવા જાય તો પણ ઈન્સટાગ્રામ પર લખે છે કે સેલ્ફી વીથ પંડિતજી..ફીલિંગ ધાર્મિક
- એક જમાના પહેલા જે લોકો માત્ર પાસપોર્ટ સાઈઝનાં ફોટા કે લગ્ન માટે બે કલર ફોટા જ પડાવતા હતા તે કેટેગરીનાં લોકો પણ આજકાલ ફોટો એડિટરમાં એડિટ કરીને તેનો ચહેરો આપણાં દિમાગમાં છપાઈ જાય તેટલી સેલ્ફી રોજે રોજ સોશિયલ મીડિયામાં અપલોડ કરે છે.
- છોકરીઓની ક્રેઝીનેસને તો પંખ મળી ગયા. જેટલા ડ્રેસ તેટલી સેલ્ફી, નવી લિપસ્ટિક લગાવીને સેલ્ફી, નવા ચપ્પલ પહેરીને સેલ્ફી….અનેરીનાં ટ્યૂશન ટીચર તો ગુસ્સે થતાં પહેલા મોબાઈલ કેમેરામાં ગુસ્સે થતા મોઢા જોઈ લે છે અને પછી જે પ્રોફાઈલમાં ગુસ્સામાં સારા લાગતા હોય તે જ સ્ટાઈલમાં ગુસ્સો કરે છે.
- મગનકાકા રોજ ઓફિસ જતા લિફ્ટમાં ઉપરનાં કાચ સામે ઉભા રહીને સેલ્ફી પાડે છે. તેમને એવુ લાગે છે કે આ ક્રિયા રોજ કરવાથી તેમની ગ્રહ દશા ઠીક રહે છે.
- મેનકાનો વર જ્યારે પણ બહાર જાય ત્યારે આચર કૂચર નાસ્તો ખાય અને બીમાર પડીને આવે તેથી હવે ઘરમાં નિયમ બની ગયો છે કે જયાં પણ બહાર જાય ત્યાં જમવાની સાત્વિક ભોજનની થાળી સાથેનો સેલ્ફી ઘરે મોકલવાનો.
- રાઘવ અને રાશી જ્યારે પણ ઝઘડે અથવા તો ખુશ હોય ત્યારે ઈમોજીને બદલે અલગ અલગ એક્સેપ્રેશનવાળી સેલ્ફી જ એકબીજાને મોકલે.
અરે…માન્યું કે વધુ આવતા અંકે પણ વાંચ્યા પછી એક સેલ્ફી જરૂર લઈ લેજો હો….
–પ્રકૃતિ ઠાકર