નવી દિલ્હી: ભાજપે નેશનલ હેરાલ્ડ કેસ અને આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનના નિવેદનને લઇને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી ઉપર આકરા પ્રહારો કર્યા છે. આજે બંને મામલાઓનો ઉલ્લેખ કરતા ભાજપે કહ્યું હતું કે, આનાથી કોંગ્રેસના ભ્રષ્ટાચાર અંગે સ્પષ્ટપણે જાણકારી મળી જાય છે. કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઇરાનીએ પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું હતું કે, રાજને મૂલ્યાંકન કમિટિને સાફ શબ્દોમાં કહ્યું છે કે, સૌથી વધારે બેડ લોન ૨૦૦૬-૨૦૦૮ વચ્ચે આપવામાં આવી હતી.
રઘુરામ રાજને બેંકોના વધુ એનપીએને લઇને બેંકર્સ અને આર્થિક મંદીની સાથે નિર્ણય લેવામાં યુપીએ અને એનડીએની ઉદાસીનતાને પણ જવાબદાર ઠેરવી હતી. રઘુરામ રાજને સંસદીય સમિતિને આપવામાં આવેલા જવાબમાં કહ્યું છે કે, સૌથી વધારે બેડલોન વર્ષ ૨૦૦૬-૨૦૦૮ વચ્ચે આપવામાં આવી હતી.
સ્મૃતિએ કહ્યું હતું કે, આનાથી સાબિત થાય છે કે, બેંકોના એનપીએ માટે કોંગ્રેસ પાર્ટી જવાબદાર છે. રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા વાઢેરા કરદાતાઓના પૈસાને બરબાદ કરવા માટે ઇચ્છુક હતા. યુપીએ સરકારના ગાળામાં ભારતીય બેંકિંગ વ્યવસ્થા પર મોટા પ્રહાર થયા હતા. રાજને એસટીનેટ કમિટિના ચેરમેન મુરલી મનોહર જાશીને મોકલવામાં આવેલા અહેવાલમાં કહ્યું છે કે, સૌથી વધારે બેડલોન ૨૦૦૬-૨૦૦૮ વચ્ચે આપવામાં આવી હતી તે વખતે આર્થિક સ્થિતિ મજબૂત હતી. પાવર પ્લાન્ટ જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ સમય પર બજેટની અંદર પૂર્ણ થઇ રહ્યા હતા.
ઇરાનીએ નેશનલ હેરાલ્ડ મામલામાં રાહુલને અનેક પ્રશ્નો કર્યા હતા. ૨૦૧૦માં રાહુલ ગાંધી કંપની બનાવે છે. ત્યારબાદ ૨૦૧૧માં એસોસિએટ્સ જનરલને ખરીદવામાં આવે છે. જેની પાસે નેશનલ હેરાલ્ડ જેવા કોંગ્રેસના મુખપત્રને પ્રકાશિત કરવાના અધિકાર હતા. રાહુલે ૯૦ કરોડ રૂપિયાની લોન ૫૦ લાખમાં ખરીદી લીધી હતી. ત્યારબાદ રાહુલે એક પત્રકારને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે, તેમની કંપની અખબાર પ્રકાશિત કરવા માટે ઇચ્છુક નથી.
આ બાબત ખુબ ચોંકાવનારી હતી. રાહુલને સ્મૃતિ ઇરાનીએ આને લઇને અનેક પ્રશ્નો કર્યા છે. એસોસિએટ જનરલની દેશમાં અનેક જગ્યાઓએ સંપત્તિ છે જેમાં દિલ્હી, મુંબઈ, લખનૌ અને હરિયાણા સામેલ છે. આ લોનને ખરીદી લીધા બાદ રાહુલે ૯૯ એસોસિએટ જનરલમાં ૯૯ ટકાના માલિક બન્યા હતા. આ કંપનીની હજુ પણ દેશમાં હજારો કરોડની સંપત્તિ છે. અત્રે નોંધનીય છે કે, સોમવારના દિવસે દિલ્હી હાઈકોર્ટે નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની એવી રજૂઆતને ફગાવી દીધી હતી જેમાં ૨૦૧૧-૨૦૧૨માં પોતાના કરવેરા નિર્ધારણની ફાઇલ ફરી ખોલવાને પડકાર ફેંકવામાં આવ્યો હતો.