નવી દિલ્હી : લોકસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન પહેલા બહુજન સમાજવાદી પાર્ટીના વડા માયાવતીને મોટો ફટક પડી ગયો છે. કારણ કે માયાવતી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર વહેલી તકે સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇન્કાર કરી દીધો છે. આનો અર્થ એ થયો કે માયાવતીને હાલમાં કોઇ રાહત મળશે નહી. સુપ્રીમ કોર્ટે કહ્યુ છે કે ચૂંટણી પંચે શક્તિનો ઉપયોગ કર્યો છે. સાથે સાથે આચારસંહિતનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે.
માયાવતીને કોર્ટે કહ્યુ છે કે અરજી દાખલ કરવામાં આવ્યા બાદ જ કોઇ નિર્ણય કરવામાં આવનાર છે. અત્રે નોંધનીય છે કે લોકસભા ચૂંટણીની વચ્ચે નેતાઓના વિવાદાસ્પદ નિવેદન ઉપર સુપ્રીમ કોર્ટે જોરદાર ફટકાર લગાવ્યા બાદ હવે ચૂંટણી પંચે પણ કઠોર વલણ અપનાવ્યું છે. ચૂંટણી પંચે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ચૂંટણી પ્રચાર પર ૭૨ કલાકનો પ્રતિબંધ મુકી દીધો છે જ્યારે બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતી પર ૪૮ કલાક માટે પ્રચાર કરવા પર પ્રતિબંધ મુક્યો છે.
જયા પ્રદાની સામે અમર્યાિદત ટિપ્પણી કરનાર આઝમ ખાનની સામે પણ કાર્યવાહી કરવામાં આવી શકે છે. ચૂંટણી પંચનો આ આદેશ આવતીકાલે સવારે છ વાગે અમલી બનશે. ચૂંટણી પંચના નિવેદન બાદ સુપ્રીમ કોર્ટે આજે નારાજગી વ્યક્ત કરી હતી. માયાવતી અને યોગી આદિત્યનાથના દ્વેષ ફેલાનાર ભાષણોની સુપ્રીમ કોર્ટે આજે કઠોર નોંધ લીધી હતી. સુપ્રીમ કોર્ટે કેટલીક બાબતો જાણવાના પ્રયાસ કર્યા હતા. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇના નેતૃત્વમાં બેંચે ચૂંટણી પ્રચાર દરમિયાન જાતિ અને ધર્મના આધાર પર દ્વેષ ફેલાવનાર ભાષણો ઉપર બ્રેક મુકવા સૂચના આપી હતી. સુપ્રીમ કોર્ટે કઠોર પ્રતિક્રિયા આપતા હવે કાર્યવાહી શરૂ થઇ છે.