મોરબી દુર્ઘટનામાં નાના માણસોને પકડ્યા, જવાબદાર સામે કાર્યવાહી નહીં : રાહુલ ગાંધી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

કન્યાકુમારીથી શરૂ થયેલી કોંગ્રેસની ભારત જોડો યાત્રાને બ્રેક આપીને કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી રાજકોટ આવી પહોંચ્યા હતા અને સાંજે શાસ્ત્રીમેદાન ખાતે યોજાયેલી જાહેરસભામાં મેદનીને સંબોધતા તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ મોરબીમાં ઝૂલતો પુલ તૂટતાં ૧૩૫ વ્યક્તિના થયેલાં મૃત્યુ અંગે કહ્યું હતું કે, આ રાજકારણનો મુદ્દો નથી, દુર્ઘટના બની ત્યારે તેમણે આ મુદ્દે સરકારની કોઇ નીતિરીતિ પર ટિપ્પણી કરી નહોતી પરંતુ આટલા દિવસ વીતી ગયા ત્યારે અનેક સવાલો ઉઠ્‌યા છે, ૧૩૫ લોકોનાં મૃત્યુ માટે જવાબદાર વ્યક્તિ સામે હજુ સુધી કોઇ કાર્યવાહી કેમ થઇ નથી? ભાજપ સાથે તે વ્યક્તિના સારા સંબંધોને કારણે ચોકીદાર અને ક્લાર્ક કક્ષાના લોકોની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ જવાબદાર સામે કોઇ કાર્યવાહી થઇ નથી.

વર્તમાન રાજ્ય અને કેન્દ્ર સરકાર દેશના ત્રણ ચાર ઉદ્યોગપતિઓ માટે જ કામ કરતી હોવાનું કહીને જણાવ્યું હતું કે, દેશમાં શિક્ષિત યુવાનોને રોજગારી મળતી નથી, ઉદ્યોગપતિઓને કરોડો-અબજો રૂપિયાની લોન મળે છે, અને તે લોન ભરપાઇ કરતા નથી ત્યારે તેમને એનપીએ (નોન પર્ફોર્મિંગ એસેટ) જાહેર કરી તેમને માફ કરવામાં આવે છે જ્યારે કોઇ ખેડૂત ૫૦ હજાર કે ૧ લાખનું કર્ઝ ચૂકવી ન શકે તો તેને ડિફોલ્ટર જાહેર કરવામાં આવે છે. રાજકોટ અને સૌરાષ્ટ્ર લઘુ ઉદ્યોગોનું હબ છે, નાના ઉદ્યોગો મોટા પ્રમાણમાં રોજગારી પૂરી પાડે છે, પરંતુ ખોટી જીએસટી દાખલ કરીને અબજોપતિ ઉદ્યોગપતિઓ માટે રસ્તો સાફ કરવા નાના ઉદ્યોગોને બંધ કરવાની નીતિ સરકાર અપનાવી રહી છે, કાળું નાણું નાબૂદ કરવાના નામે નોટબંધી લાગુ પાડી પરંતુ કાળું નાણું બંધ કરી શક્યા નથી.

કોરોનાના કપરા સમયમાં શ્રમિકોને રોજગારી નહોતી, બે ટંક જમવાનું મળવું મુશ્કેલ હતું અને તેમને તેમના વતન જવા માટે સરકારની જરૂર હતી ત્યારે સરકારે મદદ કરી નહોતી, આને સરકારની કેવી નીતિ કહેવી? રેલવે અને ઓઇલ કંપનીનું પ્રાઇવેટાઇઝેશન કરવામાં આવી રહ્યું છે. શહેર કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના આગમનને પગલે રેસકોર્સ રિંગ રોડ, યાજ્ઞિક રોડ, કિસાનપરા ચોક સહિતના વિસ્તારોમાં કોંગ્રેસના ઝંડા, બેનર્સ અને કટ આઉટ લગાવ્યા હતા, ચૂંટણી આચારસંહિતાના નામે બપોરે તંત્રે બેનર, ઝંડા ઉતારી લેતા ભાજપના ઇશારે તંત્રે કામગીરી કર્યાનો કોંગી આગેવાનોએ આક્ષેપ કર્યો હતો.

Share This Article