નવી દિલ્હીઃ વ્યાવસાયિક તાલીમને પ્રોત્સાહન આપવા તથા યુવાનોને કૌશલ્ય વિકાસના કાર્યક્રમોમાં સામેલ કરવાના ઉદ્દેશ્ય સાથે સ્કિલ ઇન્ડિયાએ પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના (પીએમકેવીવાય ૨૦૧૬-૨૦) અંતર્ગત પ્રમાણિત ઉમેદવારો માટે બે નવા લાભો પ્રસ્તુત કર્યાં છે. આ લાભ – કૌશલ્ય વીમા (વ્યક્તિગત દુર્ઘટના વીમા કવચ) અને ડિજિલોકર સુવિધા છે.
ઉલ્લેખનીય છે કે પીએમકેવીવાય કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલય, ભારત સરકારની એક મહત્વપૂર્ણ યોજના છે, જેનું અમલીકરણ નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એનએસડીસી) દ્વારા કરાઇ રહ્યું છે. એનએસડીસીએ આ યોજના અંતર્ગત પ્રમાણિત ઉમેદવારોને કૌશલ્ય વીમાની સુવિધા પ્રદાન કરવા માટે ધ ન્યુ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડ (એનઆઇએ) સાથે જોડાણ કર્યું છે. આઇઆરડીએના વર્તમાન નિયમો અનુસાર આ યોજના અંતર્ગત મૃત્યુ અને સ્થાયી વિકલાંગતા ઉપર રૂ. ૨ લાખની વીમા રકમનો ૩ વર્ષની મુદ્દતનો વ્યક્તિગત દુર્ઘટના વીમો પ્રદાન કરવામાં આવશે.
પીએમકેવીવાય યોજના હેઠળ વીમાનો લાભ લેનારા તમામ વ્યક્તિઓ માટે ધ ન્યુ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડે એક માસ્ટર પોલીસી તૈયાર કરી છે, જેની મુદ્દત ત્રણ વર્ષની રહેશે. વીમાનું પ્રીમિયમ એનએસડીસી આપશે. એનઆઇએ વીમાનું કવચ ધરાવતા વ્યક્તિઓની ફરિયાદોના ઉકેલ માટે એક વિશેષ ટોલ-ફ્રી હેલ્પલાઇનની પણ વ્યવસ્થા કરશે.
ભારતને ડિજિટલરૂપે એક સશક્ત સમાજ અને જ્ઞાની અર્થવ્યવસ્થા બનાવવા માટે પ્રમાણિત ઉમેદવારોને ડિજિલોકરના માધ્યમથી પોતાના કૌશલ્ય પ્રમાણપત્રો સુધી પહોંચવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેને મોબાઇલ એપ અથવા વેબ પોર્ટલ દ્વારા ડાઉનલોડ કરી શકાય છે. ડિજિલોકર ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામ હેઠળની એક મહત્વપૂર્ણ પહેલ છે.
મહત્વપૂર્ણ છે કે ડિજિલોકર એ ડિજિટલ માધ્યમથી વીમા અને દસ્તાવેજા તથા પ્રમાણપત્રોની ખરાઇ કરવાનું પ્લેટફોર્મ છે, જેમાં ભૌતિક દસ્તાવેજોની આવશ્યકતા રહેતી નથી. સમગ્ર પ્રક્રિયાને સરળ બનાવવા માટે એક ઓનલાઇન ઇન્ટરફેસ વિકસાવવામાં આવ્યું છે, જે એનઆઇએ અને સ્કિલ ડેવલપમેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ (એસડીએમએસ) વચ્ચે કામ કરશે અને તેનું મેનેજમેન્ટ એનએસડીસી દ્વારા કરવામાં આવશે. આમાં માસ્ટર પોલીસી નંબર ઓનલાઇન જનરેટ કરાશે અને સ્કિલ સર્ટિફિકેટ પ્રિન્ટ પણ કરી શકાશે. પ્રશિક્ષણ કેન્દ્ર સ્કિલ કમ ઇન્સ્યોરન્સ સર્ટિફિકેટને ઓનલાઇન પ્લેટફોર્મ એસડીએમએસ ઉપરથી ડાઉનલોડ કરી શકે છે તથા અન્ય ઉમેદવારો https://digilocker.gov.in/ના માધ્યમથી પણ સ્કિલ સર્ટિફિકેટ એક્સેસ કરી શકે છે.
આ લાભો અંગે વાત કરતાં કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલયના સંયુક્ત સચિવ અને સીવીઓ રાજેશ અગ્રવાલે જણાવ્યું હતું કે, “પીએમકેવીવાય (૨૦૧૬-૨૦૦)નું લક્ષ્ય ગુણવત્તાપૂર્ણ પ્રશિક્ષણ પ્રદાન કરવાનું અને કુશળ તથા નોકરી માટે સજ્જ કાર્યબળનું નિર્માણ કરવાનું છે કે જેઓ ઉદ્યોગોની માગને પૂર્ણ કરી શકે. પીએમકેવીવાયના ઘણાં લાભો છે, જે તેને પ્રભાવી કૌશલ્ય વિકાસ યોજના બનાવે છે. અમે પોતાના ઉમેદવારોને નવા યુકના ડિજિટલ માધ્યમો સુધી પહોંચાડીને તેમને સશક્ત બનાવવા માગીએ છીએ.”
નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના એમડી અને સીઇઓ મનિષ કુમારે જણાવ્યું હતું કે, “એનએસડીસી યુવાનોને રોજગાર પ્રાપ્ત કરવાની કુશળતાઓ પ્રદાન કરીને તેમને સારી આજીવિકા પ્રાપ્ત કરવામાં મદદરૂપ બનવા માટે પ્રતિબદ્ધ છે. પીએમકેવીવાય અંતર્ગત પ્રશિક્ષણ પ્રાપ્ત કરેલા તમામ ઉમેદવારોનું ભવિષ્ય સુરક્ષિત રાખવાનો આ અમારો પ્રયાસ છે. આનાથી તેમની ઉત્પાદકતા વધશે અને તેઓ રાષ્ટ્રનિર્માણમાં વધુ યોગદાન આપી શકશે.”