અમદાવાદ: શહેરના સીજી રોડ પર આવેલા જવેલર્સના ડિલિવરી બોયને બે શખસોએ પોલીસ તરીકે ઓળખાણ આપી દમ મારી રસ્તામાં આંતરી ૧૫ ઓગસ્ટના ચેકિંગને બહાને રૂ છ લાખના દાગીના ચોરી કરી ફરાર થઇ જતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.
ગઠિયાઓ દ્વારા ઠગાઇનો ભોગ બનેલા યુવકે આ સમગ્ર બનાવ અંગે નવરંગપુરા પોલીસને જાણ કરી હતી. જેને પગલે નવરંગપુરા પોલીસે આ બાનવ સંદર્ભે જરૂરી ગુનો નોંધી સીસીટીવી ફૂટેજોના આધારે આરોપીઓની તપાસ શરૂ કરી છે.
અન્ય એક બનાવમાં, પાંજરાપોળમાં વેપારીના ઘરમાંથી ઘરઘાટી રૂ.૧.૩૨ લાખની ચોરી કરી ફરાર થતાં એલિસબ્રિજ પોલીસે ગુનો નોંધ્યો છે. મળતી માહિતી મુજબ સોલા સાયન્સ સીટી રોડ પર આવેલા અવધ પાર્ક લેન્ડમાં રહેતા મહેન્દ્રભાઈ પટેલ સીજી રોડ પર આવેલા સુપર મોલમાં શ્રદ્ધા એઈસંગ હોલમાર્ક સેન્ટરના નામે સોનાના દાગીનાને હોલમાર્ક કરી આપવાનો વ્યવસાય કરે છે. તેમની દુકાનમાં સાત જેટલા લોકો કામ કરે છે. અસારવાની જૂની ખોડીદાસની ચાલીમાં રહેતા કનુસિંહ ચાવડા મહેન્દ્રભાઈના ત્યાં ડિલિવરી બોય તરીકે કામ કરે છે. હોલમાર્ક માટે આવેલા ૬૫૧ ગ્રામના સોનાના દાગીનાને હોલમાર્ક કરીને ગઈકાલે ડિલિવરી બોય કનુસિંહ ચાવડા બે અલગ અલગ ડબ્બામાં પેક કરીને થેલામાં મૂકીને સીજી રોડ પર આવેલા પંચરત્ન જવેલર્સમાં પહોંચાડવા માટે આપ્યા હતા.
કનુસિંહ થેલો લઇ બપોરે બે વાગ્યે ચાલતા ચાલતા પંચરત્ન જવેલ્સમાં દાગીના આપવા નીકળ્યા હતા. અઢી વાગ્યે પંચરત્ન જવેલર્સના માલિકે ફોન કરી અને મહેન્દ્રભાઇને ત્યાં જાણ કરી હતી કે સોનાના દાગીનાનું એક બોક્સ ઓછું આવ્યું છે. બોક્સ બાબતે કનુસિંહને પૂછતાં તેઓ બોડીલાઈન ચાર રસ્તા પાસે તેઓ પહોંચ્યા ત્યારે એક અજાણ્યો ઈસમ તેમની પાસે આવીને ૧૫ ઓગસ્ટનું ચેકિંગ ચાલે છે, તારા થેલા ડ્રગ્સ હોવાની શંકા છે. શખસે ડરાવી ધમકાવી પોલીસની ઓળખ આપીને સાહેબ પાસે થેલા ચેક કરાવવા પડશે તેમ કહ્યું હતું. તનિષ્કનાં શો રૂમ પાસે લઇ જઇ અને અન્ય એક શખસે થેલો ચેક કરી પરત આપી દીધો હતો. બંને શખસે ચેકિંગના બહાને થેલામાંથી રૂ. છ લાખ ભરેલા સોનાના દાગીનાનું બોક્સ ચોરી કરી લીધું હતું.
પોલીસને જાણ કરાતાં નવરંગપુરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. મહેન્દ્રભાઇની ફરિયાદના આધારે પોલીસે બે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી સીસીટીવી ફૂટેજોના આધારે તપાસ શરૂ કરી છે. બીજા એક બનાવમાં પાંજરાપોળ વિસ્તારમાં રહેતા અનીશભાઈના ત્યાં ઘરઘાટી તરીકે રમેશ નામનો શખસ કામ કરતો હતો. દસ દિવસ પહેલાં રાતે રમેશ ઘરમાંથી ગાયબ જોવા મળ્યો હતો. ઓરડીમાં તપાસ કરતાં મળી ન આવતાં ઘરમાં રહેલી ચીજ વસ્તુઓ જોતાં રોકડ રૂ. ૧.૨૫ લાખ અને રૂ.૭૦૦૦ના દાગીના ગાયબ હતા. જેથી અનીશભાઇએ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં રમેશ વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે જરૂરી તપાસ હાથ ધરી છે.