નવી દિલ્હી: સંરક્ષણમંત્રી નિર્મલા સીતારામને આજે રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં ચીનના સંરક્ષણમંત્રી વેઇ ફેંગ સાથે વિસ્તારપૂર્વક વાતચીત કરી હતી. બંને નેતાઓ વચ્ચે સંરક્ષણ અને લશ્કરી સમજૂતિની દ્રષ્ટિએ આ વાતચીત ખુબ મહત્વપૂર્ણ રહી હતી. ડોકલામ વિવાદ બાદ પ્રતિનિધિસ્તર પર આ વાતચીત થઇ રહી છે જેને દિલ્હી અને બેજિંગ વચ્ચે ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે.
વેઇ ફેંગને ચીનની સંસદ એટલે કે નેશનલ પીપલ્સ કોંગ્રેસ દ્વારા સંરક્ષણ મંત્રી તરીકે પસંદ કર્યા છે. તેમને ચીનમાં મિસાઇલ મેનના નામથી પણ ઓળખવામાં આવે છે. તેઓ કુશળ વ્યૂહરચનાકાર પણ ગણવામાં આવે છે. ડોકલામ વિવાદ બાદ સરહદ ઉપર ફરીવાર બંને દેશો વચ્ચે તંગદિલીપૂર્ણ માહોલ છે ત્યારે આ વાતચીત ખુબ મહત્વપૂર્ણ છે.
એવા અહેવાલ પણ આવી રહ્યા છે કે, બંને દેશો વચ્ચે સતત વાતચીતનો દોર ચાલી રહ્યો છે. આ વર્ષે ઓક્ટોબર મહિનામાં પણ આ પ્રકારની વાતચીત થનાર છે. ચીનમાં આ વાતચીત થશે. અલબત્ત આને લઇને કોઇપણ પ્રકારની તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી. કોઇ સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી નથી. આ વર્ષના અંતમાં બંને દેશો વચ્ચે લશ્કરી કવાયત યોજાઈ તેવી શક્યતા પણ દેખાઈ રહી છે. ભારત અને ચીની સેના સરહદ ઉપર વારંવાર આમને સામને આવતી રહે છે.
આવી સ્થિતીમાં આ વાતચીત ખુબ મહત્વપૂર્ણ બની ગઈ છે. ચીની સૈનિકો દ્વારા ઘણી વખત ઘુસણખોરી પણ કરવામાં આવી છે. ભારતીય ક્ષેત્રોમાં ચીની ઘુસણખોરોને લઇ સાવધાની રાખવાની જરૂર છે. ઇતિહાસ સાક્ષી છે કે, બંને દેશો ક્યારેય સારા મિત્રો બની શક્યા નથી. બંને દેશો વચ્ચે એક યુદ્ધ પણ થઇ ચુક્યું છે. ડોકલામ મડાગાંઠ લાંબી ચાલી ચુકી છે.