નવીદિલ્હી : કેન્દ્રીય સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામન સામે આક્રમક અને વંશીય ટિપ્પણી કરવા બદલ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. રાષ્ટ્રીય મહિલા પંચે રાહુલ ગાંધીને નોટિસ ફટકારી છે. જયપુરમાં સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ સીતારામન સામે વાંધાજનક સૂચનો કર્યા હતા જેને લઇને મહિલા પંચે પણ નારાજગી વ્યક્ત કરી હતી.
નોટિસમાં રાષ્ટ્રીય મહિલા પંચે કહ્યું છે કે, અખબારી અહેવાલોમાં આવેલી માહિતીની તેમના દ્વારા નોંધ લેવામાં આવી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે, મહિલા પ્રધાન સામે અપમાનજનક સૂચનો કરવામાં આવ્યા છે. મહિલા પંચે કહ્યું છે કે, રાહુલ ગાંધીને નોટિસ ફટકારવામાં આવી રહી છે. મહિલાઓ નબળી છે તેમ રાહુલ ગાંધી માને છે જે યોગ્ય નથી.
વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં એક સંરક્ષણ મંત્રી સામે આ પ્રકારના આક્ષેપો બિલકુલ યોગ્ય નથી. રાષ્ટ્રીય મહિલા પંચના વડા રેખા શર્માએ રાહુલ ગાંધીના નિવેદન સામે જોરદારરીતે વાંધો ઉઠાવ્યો છે. રાહુલે ગઇકાલે કહ્યું હતું કે, ૫૬ ઇંચના ચોકીદાર ભાગી ગયા છે અને મહિલાને પોતાના બચાવમાં ઉતારી રહ્યા છે.