કેમ શરૂ કરવી પડી સિંગાપુર એરલાઇન્સે અમદાવાદથી પાંચમી સાપ્તાહિક ફ્લાઇટ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ઉનાળાની રજાઓમાં સિંગાપુરને ડેસ્ટિનેશન તરીકે પસંદ કરનારા ગુજરાતી પ્રવાસીઓની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. આ માટે સિંગપુર એરલાઇન્સ તરફથી અમદાવાદથી સિંગાપુર એરલાઇન્સની પાંચમી સાપ્તાહિક ફ્લાઇટની જાહેરાત કરવામાં આવી છે.  ઉનાળાની રજાઓ દરમિયાન પ્રવાસ કરવાની વધુ માંગને કારણે લેવાયેલા આ નિર્ણયથી હવે સિંગાપુર પ્રવાસ વધુ સરળ બની રહેશે. આ વધારાની ફ્લાઇટ ૨૭ એપ્રિલ – ૨૫ મે ૨૦૧૮ દરમિયાન દર શુક્રવારે ઉડ્ડયન કરશે. ૩૧ માર્ચ ૨૦૧૮ સુધી ટિકિટ બુક કરાવનારા પ્રવાસીઓ ૩૧ માર્ચ ૨૦૧૯ દરમિયાન તેમની અનુકૂળતા મુજબ પ્રવાસ કરી શકશે અને તેમને સિંગાપુરની ઇકોનોમી ક્લાસની રિટર્ન ટિકિટ ૨૭,૮૦૦ રૂપિયાથી શરૂ થતા દરે આપવામાં આવશે.

સિંગાપુર એરલાઇન્સના ભારતના જનરલ મેનેજર ડેવિડ લીમે કહ્યું હતું, સિંગાપુર એરલાઇન્સ માટે અમદાવાદ એક મહત્વનું માર્કેટ છે અને વધતી જતી મોસમી માંગને પહોંચી વળવા માટે એક વધુ ફ્લાઇટની જાહેરાત કરતા અમને ખુશી થાય છે. આ નવી ફ્લાઇટને કારણે પ્રવાસીઓને સિંગાપુર તેમજ આગળના સ્થળોની સફર કરવા માટે એક વધુ તક ઉપલબ્ધ થશે.

આ ઉપરાંત ભારતથી સિંગાપુરનો પ્રવાસ કરનારા તમામ પ્રવાસીઓને ભેટ રૂપે સિંગાપુરના ૨૦ ડોલરના ચાંગી ડોલર વાઉચર મળશે. જેનો ઉપયોગ તેઓ સિંગાપુરના ચાંગી એરપોર્ટ પર પહોંચે ત્યારે આ સ્કીમમાં ભાગ લેનાર દુકાનો, રેસ્ટોરાં અને લાઉન્જિસમાં કરી શકશે. આ ઉપરાંત ચુનંદા દેશોના માન્ય વીઝા અને આગળના પ્રવાસની માન્ય ટિકિટ ધરાવતા ભારતીય પ્રવાસીઓને સિંગાપુરના વીઝા વિના ૯૬ કલાકની નિઃશુલ્ક ટ્રાન્ઝિટ સુવિધા આપવામાં આવશે. આ ટ્રાન્ઝિટ સુવિધા ઇમિગ્રેશન ઓથોરિટિની મુનસફી પર આપવામાં આવશે.

Share This Article