વડાપ્રધાનશ્રીએ નવી પેઢીને વિરાસતથી પરિચિત કરાવવા ‘કેચ ધ રેઈન’,’એક પેડ માં કે નામ’, અને સ્વચ્છ ભારત અભિયાનો પ્રારંભ કર્યા છે એમા સિંધી સમાજ સક્રિય થાય તેવી અપીલ મુખ્યમંત્રીશ્રીએ કરી
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સિંધી સમાજના ચેટીચંડ દિવસની અમદાવાદમાં આયોજિત ઉજવણીમાં ઉત્સાહ-ઉમંગથી છલકાતાં સિંધી પરિવારો સાથે સહભાગી થયા હતા. આ અવસરે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ચેટીચંડ શોભાયાત્રાને પણ પ્રસ્થાન કરાવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજીત ચેટીચંડ પર્વના સાંસ્કૃતિક કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર સિંધી પરિવારોને ચેટી ચંડની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ચેટીચંડની ઉજવણી સાથે ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ પણ થઈ રહ્યો છે. આજનું પવિત્ર પર્વ સિંધી કોમની દરિયાદિલી તેમજ પુરૂષાર્થનો પરિચય કરાવે છે. સિંધી સમાજ આફતને અવસરમાં પલટાવી દેનારો પરિશ્રમી સમાજ છે. સિંધી સમાજે ગુજરાતની પ્રગતિમાં સક્રિય યોગદાન આપીને એક ભારત, શ્રેષ્ઠ ભારતના મંત્રને સાકાર કર્યો છે. એટલું જ નહિ, એક પણ ક્ષેત્ર એવું નથી કે જેમાં સિંધી સમાજની સફળતાનો પરચમ ન લહેરાતો હોય એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.


સિંધી સમાજ વિશે વાત કરતા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ કહ્યું કે, સિંધથી આવીને ગુજરાતને પોતાની માતૃભૂમિ અને કર્મભૂમિ બનાવનારા સિંધી સમાજની ઓળખ અને ભાષા ભલે સિંધી હોય પણ આ સમુદાયના લોકો ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિમાં દૂધમાં સાકરની જેમ ભળી ગયા છે. મુખ્યમંત્રી શ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ધાર્મિક પર્વના આવા સામુહિક આયોજનથી ઈતિહાસ અને પરંપરાઓ સાથે જોડાવાનો અવસર નવી પેઢીને પણ મળે છે. એટલું જ નહીં વડાપ્રધાનશ્રીએ નવી પેઢીને વિરાસતથી પરિચિત કરાવવા સાથે ભવિષ્યનો પણ વિચાર કરીને ‘કેચ ધ રેઈન’,’એક પેડ માં કે નામ’, અને સ્વચ્છ ભારત અભિયાનો શરૂ કર્યા છે. આ તમામ અભિયાનમાં સિંધી સમાજ સક્રિય થાય તેવી અપીલ પણ મુખ્યમંત્રીશ્રીએ કરી હતી.
આ અવસરે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ચેટીચંડ શોભાયાત્રાને પણ પ્રસ્થાન કરાવ્યું હતું. આ અવસરે ધારાસભ્યશ્રી પાયલ કુકરાણીએ રાજ્યના વિકાસમાં સિંધી સમાજનું યોગદાન સદાય મળતું રહેશે તેવી ખાતરી આપી મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વને બિરદાવ્યું હતું. આ પ્રસંગે અમદાવાદના મેયર શ્રી પ્રતિભાબહેન જૈન, અમદાવાદ પૂર્વ સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, સર્વે ધારાસભ્યશ્રીઓ, કાઉન્સિલરશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.