નવીદિલ્હી: પેટ્રોલ ડીઝલની કિંમતમાં અભૂતપૂર્વ વધારાનો દોર જારી રહ્યો છે. આ વધારો હજુ જારી રહે તેવી શક્યતા છે. દેશના વાણિજ્ય પાટનગર ગણાતા મુંબઈમાં ભાવ વધારો સૌથી વધારે જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રના પરભાની જિલ્લામાં પેટ્રોલની કિંમત લીટરદીઠ ૯૧.૪૦ સુધી પહોંચી ગઈ છે જ્યારે ડિઝલની કિંમત અહીં ૭૯.૦૯ સુધી પહોંચી ગઈ છે જે દેશમાં સૌથી વધારે છે.
દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં સતત વધારો થઇ રહ્યો છે. જેના કારણે લોકો હવે ભારે પરેશાન દેખાઈ રહ્યા છે. હજુ લોકોને વધુ કિંમત ચુકવવા માટે તૈયાર રહેવું પડશે. કારણ કે, બ્રેન્ટ ઓઇલની કિંમત બેરલદીઠ ૭૮ ડોલર સુધી પહોંચી ગઈ છે જ્યારે ભારતીય રૂપિયાની કિંમત અમેરિકી ડોલર સામે ૭૨ સુધી પહોંચી છે. ભારત દ્વારા તેની ક્રૂડ ઓઇલ પૈકીની ૮૦ ટકાની આયાત કરે છે.
આવી સ્થિતિમાં ડોલર સામે રૂપિયો ગગડી જવાના પરિણામ સ્વરુપે વધારે રૂપિયાની ચુકવણી કરવી પડશે. આજ કારણસર ડોલર સામે રૂપિયાના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે. દિલ્હીમાં એક્સાઇઝ ડ્યુટી અને વેટને લઇને ભારે હોબાળો મચેલો છે. જુદા જુદા રાજ્યોમાં રહેતા લોકો વેટમાં ઘટાડો કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. ડીઝલની કિંમતમાં પણ ઉલ્લેખનીય વધારો થઇ રહ્યો છે. લોકો ભાવ વધારાથી પરેશાન થયેલા છે.