નવીદિલ્હી : સંયુક્ત આરબ અમીરાત (UAE) અને ભારતે સોમવારે ચાર વિશેષ કરારો પર હસ્તાક્ષર કર્યા. આ કરારો ભારત અને UAE વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને નવી લીઝ આપશે, આ કરારોમાં બંને દેશો વચ્ચે ક્રૂડ ઓઈલ સ્ટોરેજ, લાંબા ગાળાના LNG‚ સપ્લાય, પરમાણુ ઊર્જાના ક્ષેત્રોમાં ભાગીદારીનો સમાવેશ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે આબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે લાંબી ચર્ચા કરી, આ ચર્ચા બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક સંબંધોને મજબૂત કરવા પર કેન્દ્રિત હતી. UAE એ 2022 માં ભારત સાથે UAE (વ્યાપક આર્થિક ભાગીદારી કરાર) પર હસ્તાક્ષર કર્યા હતા, જેનો ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપારને 100 અબજ ડોલર સુધી વધારવાનો હતો. બેઠક બાદ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે પીએમ મોદી અને ક્રાઉન પ્રિન્સ અલ નાહ્યાને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને સફળ બનાવવાના ઉદ્દેશ્ય સાથે ભારત અને UAE વચ્ચેના બહુપક્ષીય સંબંધો પર ચર્ચા કરી હતી.
ચાર કરારોમાંથી, અબુ ધાબી નેશનલ ઓઈલ કંપની (ADNOC) અને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOC) વચ્ચે એક મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ અંતર્ગત એલએનજીનો લાંબા ગાળાનો પુરવઠો દર વર્ષે વધારીને 10 લાખ મેટ્રિક ટન કરવામાં આવશે. આ સાથે, ADNOC અને ઈન્ડિયા સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ લિમિટેડ (ISPRL) વચ્ચે ક્રૂડ ઓઈલ સ્ટોરેજને લઈને સમજૂતી થઈ છે, આ અંતર્ગત ભારતમાં ક્રૂડ ઓઈલના સ્ટોરેજને વધારવામાં આવશે અને પહેલાથી અસ્તિત્વમાં રહેલી સ્ટોરેજ ફેસિલિટીનું નવીનીકરણ કરવામાં આવશે. ત્રીજો કરાર ગુજરાતમાં ફૂડ પાર્ક બનાવવા અંગે કરવામાં આવ્યો હતો. અબુ ધાબી ડેવલપમેન્ટલ હોલ્ડિંગ કંપની ગુજરાતમાં ફૂડ પાર્ક બનાવશે. યુએઈ સરકારે જાન્યુઆરી 2024માં વાઈબ્રન્ટ ગુજરાત દરમિયાન ફૂડ પાર્કની દરખાસ્ત કરી હતી અને ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદની મુલાકાત પર સમજૂતી થઈ હતી. આ પાર્ક અમદાવાદમાં ગુંદનપરા વિસ્તારમાં બની શકે છે અને તે 2025માં શરૂ થઈ શકે છે. બરકાહ ન્યુક્લિયર પ્લાન્ટના જાળવણી અને સંચાલનની દેખરેખ માટે અમીરાત ન્યુક્લિયર કોઓપરેશન અને ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ વચ્ચે બરકાહ ન્યુક્લિયર પ્લાન્ટ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ અંતર્ગત ભારત બરકાહ પ્લાન્ટના કેટલાક ભાગોની જાળવણી અને સંચાલન કરશે. આ કરાર પરમાણુ ભાગીદારી માટે એક મહત્વપૂર્ણ પગલું છે. વડાપ્રધાન મોદી અને ક્રાઉન પ્રિન્સ અલ નાહ્યાને ભારત અને યુએઈ વચ્ચે થયેલા કરારો પર સંતોષ વ્યક્ત કર્યો હતો અને તમામ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને વિસ્તૃત કરવાની તકો અંગે ચર્ચા કરી હતી.
મુખ્ય કરારો
અબુ ધાબી નેશનલ ઓઈલ કંપની (ADNOC) અને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન વચ્ચે ડીલ
ADNOC અને ઇન્ડિયા સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ લિમિટેડ વચ્ચે ડીલ
અમીરાત ન્યુક્લિયર સાથે બરકાહ ન્યુક્લિયર પ્લાન્ટ અંગે કરાર
ગુજરાત સરકાર અને અબુધાબી સ્થિત PJSC કંપની વચ્ચે ફૂડ પાર્કના વિકાસ માટે કરાર