સિદ્ધૂ મૂસેવાલાના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવ્યું કે બદમાશોએ ૨૪ ગોળીઓ મારી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

એટલી હદે ગોળીઓ વરસાવી કે ઘટના સ્થળે જ સિદ્ધુ મૂસાવાલાનું મોત થયું

પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ સિદ્ધુ મૂસેવાલાના શરીર પર ગોળીઓના ૨૪ નિશાન મળી આવ્યા છે. બદમાશોએ કરેલા ફાયરિંગમાં મૂસેવાલાની છાતી અને પેટ સંપૂર્ણ રીતે ગોળીઓથી વિંધાઈને ચારણી જેવા બની ગયા હતા. મૂસેવાલાના ડાબા ફેફસા અને લીવરમાં પણ ગોળી વાગી હતી અને આ જ કારણ હશે કે તેમનું ઘટનાસ્થળે મોત થઈ ગયું.

આ ઉપરાંત ગોળીઓ વાગ્યા બાદ વધુ પડતું લોહી વહી જવું એ પણ મોતનું કારણ છે. મૂસેવાલાના માથા, છાતી, પેટ અને પગ પર ગોળીઓના નિશાન મળ્યા છે.  ડીજીપી પંજાબ વીકે ભવરાએ આ કેસ બાબતે માહિતી આપતા જણાવ્યું હતું કે સિદ્ધુ મૂસેવાલા પર લગભગ ૩૦ રાઉન્ડ ફાયરિંગ થયું હતું અને ઘટનાસ્થળેથી કારતૂસના ૩૦ ખાલી ખોખા મળ્યા હતા. મૂસેવાલાની એસયુવી કાર પૂરેપૂરી રીતે ચારણી થઈ ગઈ હતી.

ભવરાએ એમ પણ કહ્યું કે હત્યામાં ઓછામાં ઓછા ૩ હથિયારોનો ઉપયોગ કરાયો હશે. જાણીતા પંજાબી સિંગર અને કોંગ્રેસના નેતા સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડે દેશભરમાં ખળભળાટ મચાવી દીધો છે. મોતના ૨૪ કલાક બાદ સોમવારે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. અત્રે જણાવવાનું કે રવિવારે મૂસેવાલાની ગાડી પર અંધાધૂંધ ફાયરિંગ થયું હતું અને હોસ્પિટલ પહોંચે તે પહેલા રસ્તામાં જ મૂસેવાલાનું મૃત્યુ થયું હતું.

Share This Article