મુસેવાલાનું છેલ્લું ગીત ‘ધ લાસ્ટ રાઈડ’, જે આ મહિનાની શરૂઆતમાં રિલીઝ થયું હતું. જેમાં તેણે મૃત્યુ વિશે વાત કરી હતી. સિંગરના મોતથી ચાહકો પણ ભારે દુઃખી થઇ ગયા છે. પ્રશંસકો ગીતના કમેન્ટ સેક્શનમાં જઇને સોંગના લિરીક્સ લખી રહ્યા છે અને સિંગરને શ્રદ્ધાંજલી આપી રહ્યા છે. એક પ્રશંસકે લખ્યું કે, “અમને ખબર ન હતી કે આ તમારી લાસ્ટ રાઇડ હશે. મિસ યુ ભાઇ.” તો અન્ય પ્રશંસકે લખ્યું કે, “મારા ભાઇએ તેના મોતને અગાઉથી ભાખી લીધું.” તો અન્ય ચાહકે લખ્યું કે, “તેણે આ ટ્રેક પોતાને સમર્પિત કર્યો હતો. પરંતુ તે જાણતો ન હતો કે તે જલ્દી મૃત્યુ પામશે.
તે હંમેશા આપણા હૃદયમાં જીવશે. અમે તમને ક્યારેય ભૂલીશું નહીં સિદ્ધુ મુસેવાલા.” એક પ્રશસંકે લખ્યું કે, “ક્યારેક ભગવાન આપણને બતાવે છે કે શું થવાનું છે. આ ગીતના લિરિક્સ આ સાબિત કરે છે. RIP લિજેન્ડ. વાહેગુરુના ચરણમાં સ્થાન બક્ષે,” તેના નવીનતમ સિંગલ ધ લાસ્ટ રાઈડ આર્ટમાં એક સીન અમેરિકન રેપર તુપેકની હત્યાના પિક્ચરમાંથી લીધો હતો. જે છેલ્લા ૩૦ વર્ષમાં ડ્રાઇવ-બાય શૂટિંગના સૌથી વધુ પ્રસિદ્ધ કેસોમાંનો એક છે. આ દરમિયાન ગાયક પર તેના ગીતો દ્વારા બંદૂક કલ્ચર અને હિંસાને પ્રોત્સાહન આપવા બદલ પણ કેસ નોંધવામાં આવ્યો હતો.
તે પહેલાં કોવિડ -૧૯ રોગચાળા દરમિયાન ફાયરિંગ રેન્જ પર છદ્ભ ૪૭ રાઇફલથી ફાયરિંગ કરતા મુસેવાલાના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી તેના પર વધુ એક કેસ નોંધવામાં આવ્યો હતો. તે દિલ્હીની સરહદો પર ખેડૂતોના વિરોધમાં પણ સામેલ હતો. સિદ્ધુ મુસેવાલા તેના હિટ પંજાબી ગીતો જેમ કે “લીજેન્ડ”, “ડેવિલ”, “જસ્ટ લિસન”, “તિબેયાં દા પટ્ટ”, “જટ્ટ દા મુકબલા”, “બ્રાઉન બોયઝ” અને “હથ્યાર” જેવા અન્ય ઘણા ટ્રેક માટે જાણીતો હતો.પંજાબી ગાયક-રાજકારણી સિદ્ધુ મુસેવાલાની રવિવારે માનસાના એક ગામમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
મુસેવાલા સાથે ગાડીમાં રહેલા અન્ય બે વ્યક્તિને ઈજાઓ થવા પામી હતી. ઘટના બાદ મુસેવાલાને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. એક દિવસ અગાઉ જ ભગવંત માન સરકારે વિવાદાસ્પદ રીતે મુસેવાલાની સુરક્ષા પાછી લઇ લીધી હતી. યુવાનોમાં અત્યંત લોકપ્રિય મુસેવાલાની પ્રસિદ્ધિ તેના ગીતોમાં ડ્રગ્સ અને હિંસાને પ્રોત્સાહન આપવા બદલ ટીકા સાથે થઇ હતી.