શ્રીનગર : જમ્મુકાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે હથિયારો મુકીને દઇને મુખ્યપ્રવાહમાં સામેલ થવા માટે આજે સ્થાનિક ત્રાસવાદીઓને અપીલ કરી હતી. મંત્રણા ટેબલ પર આગળ આવવા માટેની અપીલ પણ તેમને કરવામાં આવી છે. તેમણે કહ્યુ હતુ કે સરકાર બંધારણ મુજબ આગળ વધવા માટે તૈયાર છે. મલિકે કહ્યુ હતુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ યુવાનોની વાત સાંભળવા માટે તૈયાર છે. જો કે આના માટે તમામ ગેરમાર્ગે દોરાયેલા યુવાનો પહેલા હથિયારો નીચે મુકીને મુખ્યપ્રવાહમાં સામેલ થાય તે જરૂરી છે. યુવાનો મંત્રણા ટેબલ પર આવે તે જરૂરી છે. હિંસાને કોઇ કિંમતે ચલાવી લેવાય નહીં. તેમણે કહ્યુહતુ કે કાશ્મીરમાં રહેલા યુવાનોને ગેરમાર્ગે દોરી દેવામાં આવ્યા છે. અલ્લાહના આદેશ મુજબ જેહાદની લડાઇ લડી રહ્યા હોવાની ભાવના યુવાનોમાં ખોટી રીતે ફેલાવી દેવામાં આવી છે જે ખતરનાક છે. યુવાનોને હવે યોગ્ય માર્ગ પર આગળ આવવાની જરૂર છે.
રાજ્યપાલે કહ્યુ છે કે વાતચીત મારફતે દરેક સમસ્યાનો ઉકેલ આવી શકે છે. રાજ્યપાલે કહ્યુ હતુ કે નરેન્દ્ર મોદી જમ્મુ કાશ્મીરમાં સંપૂર્ણ શાંતિ સ્થાપિત થાય અને યુવાનોને તેમની ઇચ્છિત પ્રવૃતિમાં તક મળે તેવા પ્રયાસ કરવા માટે કટિબદ્ધ છે. યુવાનો હથિયારો મુકીને મંત્રણા ટેબલ પર જા આવશે તો તમામને ફાયદો થશે. બંધારણની હદમાં રહીને તમામ સારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. મલિકે કહ્યુ હતુ કે રાજભવનના દરવાજા તમામ યુવાનો માટે ખુલ્લા છે. તેઓ અહીં આવીને તેમની રજૂઆત કરી શકે છે.તમામ લોકો જાણે છે કે કાશ્મીરમાં છેલ્લા કેટલાક વર્ષોથી હિંસા વધી રહી છે. આ વર્ષે જ સેંકડો ત્રાસવાદીઓ માર્યા ગયા છે. જો કે ત્રાસવાદીઓ હજુ પણ હુમલા કરી રહ્યા છે. સાથે સાથે ત્રાસવાદી ગતિવિધીમાં જોડાઇ રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં છેલ્લા ઘણા સમયથી યુવાનો ગેરમાર્ગે દોરાયેલા છે. જેહાદના નામ ઉપર તેમની પાસેથી આતંકવાદી ગતિવિધિઓ ચલાવવામાં આવી રહી છે.
પાકિસ્તાનમાં બેઠેલા તેમના આકાઓ અને કાશ્મીરમાં રહેલા કટ્ટરપંથીઓ આ યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. આવી સ્થિતિમાં કાશ્મીરી સ્થાનિક યુવાનોને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે એક નવી પહેલ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી આ પહેલ કરવામાં આવી હોવાનું જાણળા મળ્યું છે. મંત્રણા માટે કાશ્મીરી યુવાનોને આમંત્રણ આપવાના રાજ્યપાલના સૂચનને લઇને હજુ સુધી કોઇપણ પ્રતિક્રિયા રાજકીય પક્ષો તરફથી આપવામાં આવી નથી.