આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતનાના અભિયાન અંતર્ગત આસ્થા એકતા અને ઊર્જાના ધામ સમા વિશ્વ ઉમિયાધામમાં જગતજનની મા ઉમિયાના વિશ્વના સૌથી ઊંચા મંદિર નિર્માણનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે, ત્યારે મંદિર નિર્માણની સાથે સાથે સંસ્થા દ્વારા વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરાઈ રહી છે. જેના ભાગરૂપે વિશ્વ ઉમિયાધામ દ્વારા હું પણ પાયાનો પિલ્લર અભિયાન અંતર્ગત શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનો આયોજન થઈ રહ્યું છે. ત્યારે આજથી મહેસાણા મુકામે પરમ પૂજ્ય કથાકાર રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રીજી પુરાણાચાર્ય માનસ રત્નના સ્વમુખેથી શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ ની શરૂઆત થઈ રહી છે.
આ કાર્યક્રમ અંગે વાત કરતા વિશ્વ ઉમિયા ધામના પ્રણેતા એવમ પ્રમુખ આરપી પટેલ જણાવે છે કે, મહેસાણા શહેરમાં 13 થી 19 એપ્રિલ રોજ સાંજે 8 થી 11 કલાક સુધી મહેસાણામાં મોઢેરા રોડ સ્થિત અવસર પાર્ટી પ્લોટ ખાતે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું આયોજન કરાયું છે. આજે મહેસાણા શહેરમાં ભવ્ય પોથીયાત્રા નીકળશે જેમાં હજારો મા ઉમિયાના ભક્તો જોડાશે. પોથીયાત્રાને શરૂઆત બપોર બાદ ચાર કલાકે શ્રી સ્વામિનારાયણ મંદિર મોઢેરા રોડ થી નીકળી શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ આયોજન સ્થળ સુધી પહોંચશે. વધુમાં શ્રી આર.પી. પટેલ જણાવે છે કે વિશ્વ ઉમિયાધામમાં મા ઉમિયાની દેવવાણીનો રણકાર નિરંતર સંભળાઈ રહ્યો છે. આ સ્થાનનો – આ ધરતીનો એક આગવો ઈતિહાસ લખાઈ રહ્યો છે, જ્યાં વિશ્વના સૌથી ઊંચા 504 ફૂટ જગતજનની મા ઉમિયાના આસ્થા – એકતા અને ઊર્જાના શક્તિ મંદિરનું નિર્માણ થઈ રહેલ છે, ત્યારે મંદિર નિર્માણના ગર્ભગૃહના દાતા તરીકે રૂા. 15 લાખ અને મંદિર પરિસરના દાતા તરીકે રૂા. 11 લાખનો સહયોગ નોંધાવી ધર્મ સ્તંભના દાતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરો એવી અમારી વિનંતી છે, કારણ કે ધર્મસ્તંભના દાતા બનવાનું સૌભાગ્ય નસીબદારને જ પ્રાપ્ત થાય છે. જગતજનની મા ઉમિયાના ઐતિહાસિક મંદિર નિર્માણમાં હું પણ પાયાનો પિલ્લર- હું પણ ભૂમિદાતા એવા ભાવ સાથે સર્વે સમાજના પરિવારોને વિશ્વની નવમી અજાયબી સમા મંદિર નિર્માણમાં સહભાગી બનાવવા ‘શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ’ નું આયોજન કરેલ છે, જેમાં પધારવા આમંત્રણ.