કોલંબો : ભારત સહિત દુનિયાભરના દેશોએ શ્રીલંકા બોમ્બ બ્લાસ્ટની જારદાર નિંદા કરી છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું છે કે શ્રીલંકામાં થયેલા ભીષણ બ્લાસ્ટની તેઓ કઠોર રીતે નિંદા કરે છે. અમારા ક્ષેત્રમાં આવી બર્બરતા માટે કોઈ જગ્યા નથી. ભારત દુઃખની સાથે આ ઘડીમાં મજબૂતી સાથે શ્રીલંકાની સાથે ઉભું છે. હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવાર પ્રત્યે તેમની સંવેદના છે.
સાથે સાથે ઘાયલ થયેલા લોકો વહેલીતકે સ્વસ્થ થાય તેના માટે તેઓ પ્રાર્થના કરે છે. ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પણ આ બ્લાસ્ટની નિંદા કરી છે. અન્ય પક્ષોના મોટા નેતાઓએ પણ નિંદા કરી છે. બ્રિટનના વડાપ્રધાન ટેરીઝામેનું કહેવું છે કે શ્રીલંકાની હોટલો અને ચર્ચ પર કરવામાં આવેલા હુમલા ખોફનાક છે. આ ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવાર પ્રત્યે તેમની સહાનુભૂતિ છે. આ પ્રકારના ત્રાસવાદી લોકો સામે તમામને એકસાથે રહીને આગળ આવવાની જરૂર છે. કોઈપણ ધર્મ સાથે જાડાયેલા લોકો કોઈ પ્રસંગવેળા દહેશતમાં ન રહે તેવી સ્થિતિ સર્જવાની જરૂર છે.
સાથે સાથે માલદીવના પ્રમુખ ઈબ્રાહીમ મોહંમદે પણ આજે શ્રીલંકામાં થયેલા બોમ્બ બ્લાસ્ટની નિંદા કરી છે. તેમણે કહ્યું છે કે આ ભયાનક હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવાર સાથે તેમની સહાનુભૂતિ રહેલી છે. દુઃખની આ ઘડીમાં તમામ લોકો શ્રીલંકા સાથે છે. આતંકવાદ સામેની લડાઈમાં તમામ લોકો એકસાથે છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાને પણ ટ્વીટ કરીને હુમલાની નિંદા કરી છે. ઈમરાને કહ્યું છે કે ઈસ્ટર રવિવારના દિવસે શ્રીલંકામાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાની તેઓ નિંદા કરે છે. અમેરિકા અને વિશ્વના અનેક દેશના લોકોએ પણ બોમ્બ બ્લાસ્ટને કઠોર શબ્દોમાં વખોડીને નિંદા કરી છે. શ્રીલંકાના પ્રમુખ મેથરીપાલા સીરીસેનાએ કહ્યું છે કે હાલમાં અમે આઘાતમાં છીએ. હુમલાની જવાબદારી હજુ સુધી કોઈ સંગઠને લીધી નથી.