માધવ-શ્રીકૃષ્ણના નામ પરથી પ્રસિદ્ધ માધવપુર એટલે ગોમતી નદીના કિનારે શ્રીકૃષ્ણએ રાજધાની-દ્વારીકાની સ્થાપના કરી તેની આસપાસનો હરિયાળો પ્રદેશ. માધવપુર પ્રચીનકાળથી પ્રસિદ્ધ છે.
ઇસા પૂર્વે રોઇંગ-અરૂણાચલ પ્રદેશમાં ભિષ્મક રાજા રાજ્ય કરતા હતા, જેમને એક પુત્રી રુકમણી અને પાંચ પુત્રો હતા. રુકમણીના એક ભાઇ રુકમિ તેમના લગ્ન પોતાના મિત્ર અને કૌરવ શિશુપાલ સાથે કરાવવા માગતા હતા. પરન્તુ રુકમણીજી મનોમન શ્રકૃષ્ણને ચાહતા હતા. રુકમણીજીએ શ્રીકૃષ્ણને પત્ર લખ્યો અને શિશુપાલ સાથેના લગ્નથી ઉગારી લેવાની અને શ્રી કૃષ્ણ સાથે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી. આ પત્ર મળતાં શ્રીકૃષ્ણ ભાઇ બલરામ સાથે સેના લઇને પૂર્વ ભારતમાં ભિષ્મક રાજાના રાજ્યમાં લગ્ન સ્થળે પહોંચી જાય છે. લગ્નમંડપમાં શિશુપાલ, જરાસંઘ વગેરે રાજાઓ ઉપસ્થિત થઇ ગયા છે. શ્રીકૃષ્ણ રાજપુરોહિત મારફતે રુકમણીજીને અંત:પુરમાં ગુપ્ત સંદેશો મોકલે છે અને રાજ્યની સીમાએ પ્રતિક્ષા કરતા હોવાનું કહેણ મોકલે છે. રુકમણીજી અંત:પુરથી રથમાં બેસીને શ્રીકૃષ્ણ જ્યાં પ્રતિક્ષા કરતા હતા, ત્યાં પહોંચી જાય છે. શ્રીકૃષ્ણ રુકમણીજીનું હરણ કરીને નિકળે છે ત્યાં રુકમિ તેમના સૈન્યને રોકે છે. શ્રીકૃષ્ણ યુદ્ધમાં રુકમિને પરાજિત કરે છે. રૂકમણીજીની પ્રાર્થનાવશ રૂકમિને જીવતદાન આપે છે અને રુકમણીજીને માધવપુર લાવે છે, માધવપુરમાં રુકમણીજી સાથે વિવાહ કરે છે.
આજે પણ માધવપુરમાં ૧૨મી સદીના અવશેષો છે. માવધરાયજીનું મંદિર અને ગામમાં પ્રવેશતાં જ જોવા મળતો દરવાજો. મધુવનમાં આવેલી શ્રીકૃષ્ણ-રુકમણીજીના વિવાહની ચોરી અને મંડપ તેની બાંધણીના આધારે એક હજાર વર્ષથી પણ વધુ પ્રાચીન હોવાની સાબિતી આપે છે. માધવપુર ટેકરી ઉપર યક્ષનું મંદિર, વિષ્ણુ મંદિરમાં નાગદમનના શિલ્પોવાળી છત, ગદા વાવ, નવી હવેલી, બ્રહ્મકુંડ, ગોરખનાથની ગુફા મંદિર, કદર્મ કુંડ, મહારાણી મઠ, ચામુંડા મંદિર, મહાપ્રભુજીની બેઠક વગેરે ઐતિહાસિક ભૂમિકા ધરાવતા સ્થળો દર્શનીય છે.