શ્રાવણની ઉજવણી

KhabarPatri News
By KhabarPatri News 5 Min Read

   *શ્રાવણની ઉજવણી*

છેલ્લાં સાતેક વર્ષથી રમીલાબહેન શ્રાવણ મહિનો એકટાણું કરતાં હતાં. આ વર્ષે પણ તેમણે શ્રાવણ મહિનો ઉપવાસ કર્યા હતા. તેમણે આ વખતે શ્રાવણ મહિનો ઉજવી નાખવાનો પણ સંકલ્પ કરેલ હતો કેમ કે વર્ષે વર્ષે  તેમની ઉંમર વધતી જતી હતી અને હવે એકટાણાં  કરવામાં તકલીફ પણ પડતી હતી. સામાન્ય રીતે શ્રાવણ મહિનો ઉજવવા માટે ગૃહિણિઓ મહિનો પૂરો થયે અમાસના  દિવસે બ્રહ્મભોજન કરાવતી હોય છે. તેની સાથે સાથે કેટલીક કુંવારી કન્યાઓ અને તેમનાં નજીકનાં સગાસબંધીઓ કે કુટુંબીજનોને પણ જમાડતી હોય છે. આમાં કંઇ નક્કી બંધારણ જેવું જોવા મળતું નથી પણ સૌ પોત પોતાની શક્તિ અને શ્રધ્ધા મુજબનું આયોજન કરતાં હોય છે. નજીકના મંદિરમાં પૂજારી માટે સીધુ પણ મોકલાવમાં આવતું  હોય છે.

રમીલાબહેનના પતિ બે વર્ષ પહેલાં નોકરીમાંથી નિવૃત્ત થયલા હતા. તે મોટે ભાગે પત્નીના આયોજનમા ખાસ કંઇ વાંધો વચકો કાઢતા નહિ. તેમને મહિને પંદરેક હજાર જેટલું પેન્શન મળતું હતુ એટલે તેઓ પોતાની રીતે ખર્ચ કરવા સક્ષમ હતા. દીકરા વહુઓને ખાસ કંઇ પૂછવાની જરૂર ન હતી. શ્રાવણની ઉજવણીમાં બહારનું પચ્ચીસ ત્રીસમાણસ જમાડવાનું અને ઘરના છોકરા વહુ બાળકો મળીને બધુ ચાળીસેક  માણસ  થાય તેમ હતું અને આમાં નહિ નહિ તો ય ઓછામા ઓછા આઠ દસ હજાર જેટલો તો ખર્ચ થશે તેવી રમીલા બહેનની ગણતરી હતી. જો કે રમીલાબહેને આ ખર્ચની રકમ તેઓ પોતાની અંગત બચતમાંથી કાઢશે તેમ નક્કી જ કરેલું હતું એટલે તેમના પતિએ આ ઉજવણીના ખર્ચની ચિન્તા પણ કરવાની ન હતી. અમાસના અઠવાડિયા અગાઉ જેને જમાડવાના હોય તેમને કહેવડાવવુ પડે. પણ તેમ કરતા પહેલાં તેમણે ગામમાં રહેતા એક મારવાડી રસોઇયાને બોલાવી જમાડવા માટે ઉચ્ચક કોન્ટ્રાક્ટ  આપી દીધો. પણ તે જ દિવસે રાત્રે રમીલાબહેનના પતિએ એક નવી વાત કરી….  વાત કંઇક એવી હતી કે તેમના ખેતરમાં ખેતી કામ કરતા વિઠ્ઠલની દીકરી ચંદાનું આણું તેડવા માટે વેવાઇએ  અચાનક ગોઠવ્યુ હતું અને અમાસના બે દિવસ પહેલાં એમણે તેડવાનુ મુહૂર્ત જોવડાવ્યું હતું. વિઠ્ઠલે આ કામ માટે દસ હજાર રુપિયાની જરુર હોવાનુ કહ્યું હતું અને તેટલી રકમ બને એટલી વહેલી ગોઠવી આપવા ખાસ વિનંતી કરી હતી. રમીલાબહેન આ સાંભળી કશાક વિચારમાં  પડી ગયાં…

-” શું કરું ? બિચારી ચંદાનું આણું તો સુધરી જવું જ જોઇએ…”

-“એમ કરું, આ સાલ શ્રાવણ ઉજવવાનું બંધ રાખું ને વિઠ્ઠલભાઇને ચંદા માટે હું મારા બચાવેલ પૈસા છે એ આપી દઉં તો ?..”

– ” આમે ય ભગવાને મને દીકરી ક્યાં આલી છે ?  ને ચંદાડી ય મારી દીકરી જેવી  જ છ ન ?…એ ય આમ તો પૂણ્યનું જ કામ છે ને ? ”

આવા જૂદા જૂદાવિચારોને અંતે તેમણે પોતાની બચત ચંદાના આણા માટે આપી દેવાનો નિર્ણય કરી તેમના પતિને રુપિયા દસ હજાર આપી તે વિઠ્ઠલભાઇને તે જ દિવસે  પહોચાડવા જણાવી દીધું. તેમના પતિ તો રમીલાબહેનની ચંદા પ્રત્યેની ઉદાર ભાવનાની ક્યાંય સુધી મનોમન  કદર કરતા રહ્યા ને તેમને આવી ઉદાર ભાવનાવાળી પત્ની મળી છે તેનું ગૌરવ અનુભવવા લાગ્યા. તેઓ ચૂપચાપ વિઠ્ઠલને મળી કોઇ જાણે નહિ તે રીતે દસ હજાર રુપિયા આપી આવ્યા અને તે ચંદાને આણા માટે  તેમનાં પત્ની તરફથી  બક્ષિસ સમજવાનું પણ કહેતા આવ્યા. વિઠ્ઠલે તે રકમ વ્યાજ સાથે પરત આપવાની પૂરી તૈયારી બતાવી પણ તેમણે વિઠ્ઠલની વહુને બોલાવી આ બાબતે સમજાવી દીધી.

બીજી તરફ ભલે રમીલાબહેને રસોઇયાને કોંટ્રાક્ટ આપ્યો હતો પણ હજુ ગામમાં કોઇને અમાસના દિવસે જમવા આવવાનુ નિમંત્રણ આપ્યુ ન હતું એટલે તેની ખાસ કંઇ ચિંતા તેમણે ન રાખી. જો કે રસોઇયાને ના પાડી દેવા તેમણે તેમના પતિને કહી દીધું  હતું…..એટલે નિશ્ચિંત થઇ એ તો રોજ નિયમ મુજબ ભજન કરતાં રહ્યાં.. પણ તેમના આશ્ચર્ય વચ્ચે અમાસના આગળના દિવસે તેમના પતિએ તેમને કહ્યું કે તેમનો શ્રાવણ મહિનો ઉજવવાનો સંકલ્પ પણ પૂરો થવાનો જ છે…… ત્યારે તે અવાક બની તેમના પતિને જોતાં જ રહી ગયાં… તેમણે જ્યારે પતિને આ બાબતે ના પાડવાની કોશિશ કરી તો તેમના પતિ બોલ્યા,

” તું જો ચંદાને આપણી દીકરી ગણીને તારી બધી બચત શ્રાવણ ઉજવવાને બદલે એને દાન કરી દેતી હોય તો મારી પણ તારા માટે  કાંઇ ફરજ બને છે કે નહિ બોલ ?”

–” અરે પણ બધાંને જમવાનુ તો કેવડાવ્યુ  નથી ને શું કાંમ ધમાલ કરો છો ? ”

રમીલાબહેન તો તેમનો શ્રાવણની ઉજવણીનો કાર્યક્ર્મ મુલતવી રાખવા માગતાં હતાં. ત્યારે તેમના પતિ બોલી ઉઠ્યા,

” તમારે કશી ચિંતા કરવાની નથી,એ બધી વ્યસ્થા મેં કરી દીધી છે, જે કાંઇ આલવા મેલવાનું  હોય એ બધું મને લખાવી દો એટલે એ  બધું ય પૂરુ કરી દઉં…”

– અમાસ પહેલાં ચંદાનુ આણું ય સારી રીતે થઇ ગયું અને અમાસના દિવસે બ્રાહ્મણો જમતાં જમતાં રમીલાબહેન અને તેમના પતિને હ્રદયપૂર્વકના આશીર્વાદ આપી રહ્યા.. ધન્ય છે રમીલાબહેન  અને તેમના  પતિને…

અનંત પટેલ    

anat e1526386679192

Share This Article