આ વર્ષે મે મહિનામાં દિલ્હીના છતરપુર વિસ્તારમાં મહારાષ્ટ્રની શ્રદ્ધા વોકર નામની એક યુવતીની હત્યા થઈ હતી અને ત્યારબાદ તેના મૃતદેહના આરોપી આફતાબે કથિત રીતે ૩૫ ટુકડાં કરી નાખ્યા હતા. આજે શ્રદ્ધા વોકરના પિતા વિકાસ વોકર પહેલીવાર મીડિયા સામે આવ્યા અને ન્યાયની ગુહાર લગાવી. શ્રદ્ધાના પિતાએ કહ્યું કે આફતાબને કડકમાં કડક સજા મળવી જોઈએ. આ ઉપરાંત આફતાબના પરિવારની તપાસ પણ થવી જોઈએ. આ પાછળ તેમનો હાથ હોવાની પણ આશંકા છે. અત્રે જણાવવાનું કે શ્રદ્ધાના પરિજનોએ આજે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસની મુલાકાત કરી હતી.
આ દરમિયાન તેમની સાથે ભાજપના નેતા કિરિટ સોમૈયા પણ હાજર રહ્યા હતા. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન શ્રદ્ધાના પિતાએ કહ્યું કે દિલ્હીના ઉપરાજ્યપાલ, દેવેન્દ્ર ફડણવીસ અને દિલ્હી પોલીસ તમામ તરફથી તેમને ન્યાય અપાવવાની ખાતરી મળી છે. શ્રદ્ધાના પિતા વિકાસ વોકરે કહ્યું કે મારી પુત્રીની ર્નિમમ હત્યા થઈ. તેમણે વસઈ પોલીસ ઉપર પણ ગંભીર આરોપ લગાવ્યા. વિકાસ વોકરે કહ્યું કે વસઈ પોલીસના કારણે મને ખુબ પરેશાની થઈ.
જો તેમણે મદદ કરી હોત તો મારી પુત્રી આજે જીવિત હોત. પ્રેસ કોન્ફરન્સમાં વિકાસ વોકરે કહ્યું કે શ્રદ્ધાનું દુર્ભાગ્યવશ મોત થઈ ગયું અને આપણે તેને કયારેય ભૂલી શકીએ નહીં. જે લોકો દોષિત છે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ. સમયસર તપાસ થઈ હોત તો પુત્રી આજે જીવિત હોત. શ્રદ્ધાના પિતાએ કહ્યું કે જે રીતે મારી પુત્રીની હત્યા થઈ છે બરાબર એ જ રીતે આફતાબ પુનાવાલાને પણ તે જ રીતે પાઠ ભણાવવામાં આવે તેવી હું આશા રાખુ છું. આફતાબના પરિજનો, સંબંધીઓ અને ઘટનામાં સામેલ અન્ય તમામ વિરુદ્ધ તપાસ થવી જોઈએ. મારી પુત્રીની ર્નિદયતાથી હત્યા કરવામાં આવી.