અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરીજનો પાસેથી પ્રોપર્ટી ટેક્સ અને પ્રોફેશનલ ટેક્સ સહિતના વેરાઓ ઉઘરાવાયા છે, પરંતુ તેની સામે પ્રાથમિક સુખાકારીને લગતી સારી સુવિધાઓ પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ બનાવવામાં હજુ પણ ઉદાસીનતા સેવાઇ રહી છે. જે વાત અમ્યુકો પાસે નગરજનોને સ્મશાનગૃહ સુધી પહોંચાડવાની શબવાહિનીની તીવ્ર અછતના મામલા પરથી છતી થઇ જાય છે.
અમ્યુકો તંત્રને મોટા પ્રોજેક્ટમાં મહદંશે રસ હોઇ છેલ્લાં પાંચ વર્ષથી વાર્ષિક બજેટ રૂ.પાંચ હજાર કરોડના આંકડાને પાર કરી ચુક્યું હોવા છતાં લોકોને પોતાના અંગતજનો, મિત્રો કે આડોશ-પાડોશમાં મૃત્યુ પામેલાઓને તેમની અંતિમ સફર એટલે કે સ્મશાન, કબ્રસ્તાન સુધી પહોંચાડવા માટે પૂરતી સંખ્યામાં ડેડ બોડી વાન(શબવાહિની)પણ ઉપલબ્ધ નથી. બીજી તરફ દરરોજ ડેડ બોડી વાનની અછત હોઇ ડાઘુઓને તેની લાંબા સમય સુધી પ્રતીક્ષા કરવી પડે છે. અમ્યુકો તંત્ર માટે ડેડબોડીની અછતની વાત શરમજનક કહી શકાય.
પ્રાપ્ત માહિતી મુજબ, આજે મેગાસિટી અમદાવાદ કુલ ૪૬૬ ચો.કિ.મી ક્ષેત્રફળમાં ફેલાયેલું હોઇ શહેરની વસ્તી આશરે ૬પ લાખથી વધુની છે. વસ્તીના પ્રમાણને જોતાં દરરોજ ૪પ૦થી પ૦૦ નાગરિક વૃદ્ધાવસ્થા, બીમારી સહિતનાં કારણથી મૃત્યુ પામે છે. તેની સામે મૃતકોને સ્મશાન કે કબ્રસ્તાન સુધી પહોંચાડવા માટે જરૂરી ડેડ બોડી વાન(શબવાહિની)જ મ્યુનિસિપલ તંત્ર પાસે નથી. હાલમાં તંત્ર પાસે ર૦ બેઠકની ક્ષમતા ધરાવતી બે મોટી ડેડ બોડી વાન તથા સાત બેઠકની ક્ષમતા ધરાવતી ૧૪ વાન મળીને કુલ ૧૬ વાન છે જે પૈકી ત્રણથી ચાર તો કાયમ એક અથવા બીજા કારણસર ખોટકાયેલી રહેતી હોઇ રોડ પર મૂકી શકાતી નથી. આની સામે મ્યુનિસિપલ ફાયરબ્રિગેડના ટોલ ફ્રી નંબર ૧૦ર પર ડેડ બોડી વાનની માંગણી કરતાં રોજના આશરે ૯૦થી ૧૦૦ કોલ આવે છે.
સૂત્રોના મતે, અમ્યુકો તંત્ર પાસે પૂરતી સંખ્યામાં ડેડ બોડી વાન તો નથી પરંતુ કુશળ ડ્રાઇવરોની પણ અછત છે. એએમટીએસમાંથી લેવાયેલા ડ્રાઇવરને ફાયરબ્રિગેડ હસ્તકના ભારે વાહન ચલાવવાનો અનુભવ નથી. ઉપરાંત આ ડ્રાઇવરો નાગરિકો સાથે ડેડ બોડી વેનના વેટિંગ સહિતના ચાર્જની સચોટ ગણતરી કરી શકયતા ન હોઇ તેમની લોકો સાથે હેમંશા નાની મોટી માથકૂટ થાય છે. ક્યારેક તેઓ ડેડ બોડી વેનનો ઓછો ચાર્જ લે છે ક્યારેક વધારે ચાર્જ લેતા હોઇ તેના રીફંડનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. ઉપરાંત મૃતકના ઘરે નનામી કાઢવાની પૂરતી વ્યવસ્થા કરાઇ ન હોવા છતાં પણ ડેડ બોડી વાન વહેલી મંગાવાઇ લેવાય છે. આ બધા કારણસર ડેડ બોડી વાનનો સમય સચવાતો નથી. એક તો ડેડ બોડી વાનની ઓછી સંખ્યા, લોકોની વધુ માગણી અને ડેડ બોડી વાનની વળતી યાત્રાનો દુરાગ્રહ વગેરેથી તંત્રની લોકમાનસમાં છાપ ખરડાઇ રહી છે.
બીજી તરફ તંત્રનો નાની ડેડ બોડી વેનનો ચાર્જ પ્રથમ કલાક અગર તેના ભાગના રૂપિયા પ૦ અને મ્યુનિસિપલ હદ બહારના ઉપયોગ માટે કિલો મિટર દીઠ રૂ.૯ તેમજ પ્રથમ ૩૦ મિનિટ બાદ તે પછીની દરેક ૩૦ મિનિટ અગર તેના ભાગના રૂ.પ૦ ચાર્જ લેવાય છે. જ્યારે મોટી ડેડ બોડી વાનનો ચાર્જ પ્રથમ કલાક અગર તેના ભાગના રૂ.૧ર૦ અને ત્યારબાદની પ્રત્યેક ૧પ મિનિટ તેના ભાગના રૂ.૩૦નો ચાર્જ લેવાય છે. મોટી ડેડ બોડી વેન અને નાની ડેડ બોડી વેનનો ચાર્જ એકંદરે સાવ નહિવંત છે. જેના કારણે અમદાવાદ બહારના ગ્રામ્ય વિસ્તારોમાંથી પ્રજા મ્યુનિસિપલ કોર્પોરેશનની ડેડ બોડી વાનની માંગણી કરતી હોઇ ત્યાં પણ તંત્ર દ્વારા ડેડ બોડી વેન મોકલાવાય છે. આમ, એકંદરે તંત્રની ડેડબોડીની અછતની સમસ્યા તેની મેગાસીટીની છબીને અસર પહોંચાડી રહી છે.