કાનપુરઃ સિલેક્શન ફિક્સિંગના આરોપોમાં ઘેરાયેલા યુપી ક્રિકેટમાં એક વધુ ચોંકાવનારો ખુલાસો થયો છે. સુત્રોના કહેવા મુજબ પૂર્વ સચિવ રાજીવ શુકલાના ખાનગી સહાયક અકરમ સૈફી દિલ્હીમાં ક્રિકેટરો માટે એક હોસ્ટેલ ચલાવે છે.
આરોપ છે કે સુવિધાઓ અને ટ્રેનિંગના બદલામાં દરેક મહિનામાં જંગી રકમ વસુલ કરવામાં આવે છે. જંગી નાણાં વસુલ કરવામાં આવ્યા બાદ આ યુવા ખેલાડીને યુપીમાં અલગ અલગ અલગ ક્રિકેટ ટીમોમાં જગ્યા આપવામાં આવે છે. કેટલાક લોકોની સાથે ફોન પર થયેલી વાતચીતના આધાર પર કેટલીક નવી ચોંકાવનારી વિગત સપાટી પર આવી છે. ફોન પર વાતચીતની માહિતી સપાટી પર આવ્યા બાદ અકરમને બીસીસીઆઇ દ્વારા સસ્પેન્ડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારબાદ અકરમે રાજીનામુ પણ આપી દીધુ છે.
સુત્રોના કહેવા મુજબ યુપી ક્રિકેટમાં અકરમનુ આટલુ પ્રભુત્વ રહ્યુ હતુ કે તે પોતાની ઇચ્છાથી ખેલાડીઓને ટીમમાં સામેલ કરાવતા હતા અને બહાર પણ કરાવતા હતા. એવા આરોપ પણ સપાટી પર આવ્યા છે કે પસંદગીકારો પણ તેમના ઇશારે નાચવા માટે તૈયાર હતા. આ જ કારણસર છેલ્લા કેટલાક વર્ષોથી જુનિયરથી સિનિયર લેવલ સુધી શાનદાર દેખાવ કરી ચુકેલા યુવાનોને પણ ટીમમાંથી બહાર કરવામાં આવી રહ્યા હતા. તેમની જગ્યાએ બીજા પ્રદેશોના યુવાનોને તક આપવામાં આવી રહી હતી. મોડેથી જાણવા મળ્યુ હતુ કે આ યુવાનો અકરમની હોસ્ટેલમાં પ્રેકટીસ કરતા હતા. આવી સ્થિતીમાં કેટલીક નવી વિગત ખુલી શકે છે.