શિવરાજ અને દિગ્વિજયની વચ્ચે ભોપાલમાં જંગ રહેશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી : મધ્યપ્રદેશની વીઆઈપી સીટ ભોપાલથી કોંગ્રેસ દ્વારા દિગ્વિજયસિંહને ઉમેદવાર બનાવી દેવામાં આવ્યા બાદ ભાજપમાં ઉથલપાથલ શરૂ થઈ ગઈ છે. મધ્યપ્રદેશમાં વીઆઈપી સીટ તરીકે ભોપાલની ગણતરી કરવામાં આવે છે. દિગ્વિજયની સામે મેદાનમાં કોને ઉતારવામાં આવે તેને લઈને સ્પર્ધા જારી છે. ભાજપના વર્તુળોમાં એવી ચર્ચા છે કે આ સીટ પરથી પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહને મેદાનમાં ઉતારવામાં આવી શકે છે. ત્રણ દશકથી ભાજપના ગઢ તરીકે આ સીટને ગણવામાં આવે છે. દિગ્વિજયસિંહને ઉતારવામાં આવ્યા બાદ ટક્કર વધારે તીવ્ર રહે તેવા સંકેત છે.

દિગ્વિજયસિંહે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે તેમની જીત અહીં નિશ્ચિત દેખાઈ રહી છે. બીજી બાજુ શિવરાજસિંહે કહ્યું છે કે દિગ્વિજયસિંહ પાર્ટીને હરાવનાર નેતા તરીકે રહ્યા છે. વિધાનસભા ચુંટણીમાં ત્રણ રાજ્યો ગુમાવી દીધા બાદ ભાજપ હવે કોઈ તક લેવા તૈયાર નથી. ભાજપના વ્યૂહરચનાકાર આ તથ્યને સમજી રહ્યા છે કે ભોપાલની આ વિધાનસભા સીટ પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મત અંતર ૨૦૧૮માં એક લાખથી ઓછું હતું જે ૧૯૮૯ બાદ બીજી વખત થયું છે.

આવી સ્થિતિમાં ભોપાલ સીટથી દિગ્વિજયસિંહની સામે એક મજબૂત ઉમેદવાર ઉતારવા માટે ભાજપના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના નામ ઉપર ચર્ચા જારી રહી છે. ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રભાત ઝાએ કહ્યું છે કે દિગ્વિજય માટે ભોપાલ જીતવા માટેની બાબત પડકારરૂપ છે. કોંગ્રેસ પણ માને છે કે તેઓ જીતી શકે તેમ નથી. કોંગ્રેસની અંદર આંતરિક સંઘર્ષની સ્થિતિ છે. ભાજપ પ્રદેશની તમામ ૨૯ સીટ જીતવા માટેના મક્કમ ઈરાદા સાથે ઉતરવા ઈચ્છુક છે અને શિવરાજને મોટી જવાબદારી સોંપાઈ છે.

Share This Article